અંધેરી-પૂર્વ પેટાચૂંટણીમાંથી ભાજપની પીછેહઠ, ઉમેદવાર હટાવી લીધો

મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની 3 નવેમ્બરે નિર્ધારિત પેટા-ચૂંટણીમાંથી ભારતીય જનતા પાર્ટીએ પીછેહઠ કરી લીધી છે. ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જાહેરાત કરી છે કે એમનો પક્ષ આ પેટા-ચૂંટણી નહીં લડે અને પક્ષના ઉમેદવાર મુરજી પટેલ આજે સાંજે એમની ઉમેદવારી પાછી ખેંચી લેશે. પટેલ અપક્ષ કે બળવાખોર ઉમેદવાર તરીકે પણ આ ચૂંટણી નહીં લડે એવી પણ બાવનકુળેએ ખાતરી આપી છે. આ જાહેરાતને કારણે આ ચૂંટણી માટે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીનાં ઉમેદવાર ઋતુજા લટકેની બિનહરીફ ચૂંટણી નિશ્ચિત બની ગઈ છે. ઋતુજાને મહાવિકાસ આઘાડી (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)નાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે આખરી દિવસ છે. 2019ની ચૂંટણીમાં આ બેઠક પર શિવસેનાના ઉમેદવાર રમેશ લટકેએ ભાજપના મુરજી પટેલને 16,000 મતોથી પરાજય આપ્યો હતો. ગયા મે મહિનામાં રમેશ લટકેનું દુબઈમાં નિધન થયું હતું. એને કારણે ખાલી પડેલી બેઠક પર 3 નવેમ્બરે પેટા-ચૂંટણી યોજાઈ રહી છે. શિવસેનાએ સ્વ. રમેશના પત્ની ઋતુજા લટકેને ટિકિટ આપી છે.

ભાજપ દ્વારા મુરજી પટેલની ઉમેદવારી રદ કર્યાની જાહેરાત કરાયા બાદ પટેલના સમર્થકો રોષે ભરાયા છે અને એમાંના કેટલાકે ચૂંટણી કાર્યાલય નજીક નારા લગાવ્યા હતા. એમણે શિવસેના અને ભાજપ, બંને વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

છેલ્લા બે દિવસથી ચર્ચા શરૂ થઈ હતી કે મુરલી પટેલે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા મારફત દેવેન્દ્ર ફડણવીસને લેખિતમાં વિનંતી કરી હતી કે ઋતુજા લટકેને બિનહરીફ વિજેતા બનાવવા જોઈએ તેથી પેટા-ચૂંટણીમાંથી મુરલી પટેલની ઉમેદવારી ભાજપ પાછી ખેંચી લે. એવી જ વિનંતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર તથા અન્ય પક્ષોએ પણ ભાજપને કરી હતી. આખરે ભાજપે આજે નિર્ણય લઈને મુરલી પટેલની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે.