ગુનેગાર વિમાનપ્રવાસીનો દંડ ભરવાનો ઈનકાર; જેલમાં જવાનું પસંદ કર્યું

મુંબઈઃ એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં બેફામ વર્તન કરવા બદલ અને ધૂમ્રપાન કરવા બદલ પકડાયેલા રત્નાકર દ્વિવેદી નામના એક વિમાન પ્રવાસીએ જામીન પર છુટકારા માટે રૂ. 25,000નો દંડ ચૂકવવાનો ઈનકાર કર્યા બાદ અહીંના અંધેરી ઉપનગરની અદાલતે એને જેલમાં મોકલી દીધો છે. દ્વિવેદીએ એવો દાવો કર્યો હતો કે ઈન્ડિયન પીનલ કોડની કલમ અંતર્ગત આ ગુના માટેનો દંડ માત્ર અઢીસો રૂપિયા જ છે.

અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આરોપીને કેશ-બેલ પર છોડી દેવા કહ્યું હતું, પણ દ્વિવેદીએ તે રકમ ચૂકવવાનો ઈનકાર કર્યો હતો અને કોર્ટને કહ્યું હતું કે પોતે એને બદલે જેલમાં જવા તૈયાર છે. તેણે કોર્ટને કહ્યું કે આઈપીસીની કલમ 336માં તો આ ગુના માટે માત્ર રૂ. 250ના દંડની જોગવાઈ છે. મેજિસ્ટ્રેટે એને જેલમાં લઈ જવાનો પોલીસને હૂકમ કર્યો હતો.

એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ ગઈ 10 માર્ચે લંડનથી મુંબઈ આવતી હતી ત્યારે દ્વિવેદી વિમાનના રેસ્ટરૂમમાં સ્મોકિંગ કરતો પકડાયો હતો. એને ચેતવણી આપવામાં આવી તો એ ઉગ્ર બનીને બોલવા લાગ્યો હતો. એણે શાંતિ જાળવવાના વિમાનના પાઈલટના મૌખિક અને લેખિત આદેશની પણ અવગણના કરી હતી. તદુપરાંત વિમાનમાં તમાશો કર્યો હતો. પરિણામે દરેક પ્રવાસીનો જાન જોખમમાં મૂકાઈ ગયો હતો. મુંબઈ એરપોર્ટ પર વિમાને ઉતરાણ કર્યા બાદ તરત જ દ્વિવેદીની ધરપકડ કરવામાં આવી હતી.