થાણે શહેરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેવાની શક્યતા

થાણેઃ મુંબઈ અને પુણે શહેરો બાદ હવે થાણેના નાગરિકો સામે પાણીની તંગીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે, થાણે મહાનગરપાલિકા દ્વારા જલવાહિની (એક્વિડક્ટ, વોટર ચેનલ)ના સ્થળાંતરની કામગીરી હાથ ધરાવાની છે. તેને કારણે શહેરના અનેક ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે. પાલિકા દ્વારા બુધવારે આ કામ શરૂ થવાનું છે અને તેથી આવતીકાલે મંગળવારે સાંજથી થાણે શહેરના અનેક ભાગોમાં પાણી સપ્લાઈ બંધ રહેવાની શક્યતા છે. તેથી થાણેવાસીઓએ આવતા ત્રણ દિવસ સુધી પાણી સંભાળીને વાપરવાનું રહેશે.

થાણે શહેરના માજીવાડા વિસ્તારસ્થિત નેશનલ હાઈવે પર આવેલી વોટર ચેનલને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવનાર છે. તે કામ બુધવારે હાથ ધરાશે. તેથી બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી શહેરના અનેક ભાગોમાં પાણ પુરવઠો બંધ રહેવાની શક્યતા છે. ગુરુવારે બપોર પછી ઓછા દબાણ સાથે શહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરાશે.