મુંબઈઃ કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં કોરોનાનો આ ચેપ નવા કેસ ઊભા ન કરે એની તકેદારી લેવા માટે જાહેરાત કરી છે કે ભારત-ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ, જે 3 ડિસેમ્બરથી અહીંના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે તેમાં માત્ર 25 ટકા દર્શકોને જ પ્રવેશવા દેવામાં આવશે. મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, પણ પડોશના થાણે જિલ્લાના ભિવંડીમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા બે જણને કોરોના થતાં સમગ્ર તંત્ર સતર્ક થઈ ગયું છે. મેદાનમાં રમનાર ખેલાડીઓ, અધિકારીઓ, દર્શકોએ ફરજિયાત રીતે કોરોના-વિરોધી રસીના બંને ડોઝ લઈ લીધા હોવા જોઈએ. દર્શકોએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સામાજિક અંતર રાખવાનો નિયમ પણ પાળવો પડશે. રાજ્ય સરકારે તો વાનખેડે સ્ટેડિયમમાં 100 ટકા ક્ષમતા સાથે મેચ યોજવાની પરવાનગી આપી દીધી હતી, પરંતુ ઓમિક્રોન સ્ટ્રેનના કેસો નોંધાયાને કારણે 25 ટકા ક્ષમતા નક્કી કરી છે.
વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા આશરે 33,000 દર્શકોની છે, પણ ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ મેચ જોવા માત્ર 7,500 દર્શકોને જ પ્રવેશ અપાશે. મુંબઈને છેક પાંચ વર્ષ પછી ફરી ટેસ્ટ મેચનું યજમાનપદ મળ્યું છે, પરંતુ ઓમિક્રોન સ્ટ્રેનને કારણે રાજ્ય સરકારને ચેપી બીમારીનો ફેલાવો ન થાય એટલા માટે ફરી કડક નિયંત્રણો લાગુ કરવા પડ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લે 2016માં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ રમાઈ હતી.