મુંબઈ: લાપતા થયેલી પાંચ વિદ્યાર્થિનીઓને પોલીસે 24 કલાકમાં શોધી કાઢી

મુંબઈ – દક્ષિણ મુંબઈની એક શાળામાં ભણતી પાંચ વિદ્યાર્થિની, જે શુક્રવારે લાપતા થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, એમને પોલીસે શનિવારે સાંજ સુધીમાં શોધી કાઢી હતી. એ બધી છોકરીઓ સુરક્ષિત છે, એમ પોલીસે કહ્યું છે.

એ છોકરીઓ કોલાબા વિસ્તારની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે. શુક્રવારે બપોરે સ્કૂલ છૂટી ગયા બાદ છોકરીઓ એમનાં ઘેર પાછી ફરી નહોતી. પરિણામે એમનાં માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે તાબડતોબ તપાસ શરૂ કરી હતી. પોલીસે છોકરીઓનાં ફોટા મુંબઈમાં તમામ પોલીસ સ્ટેશનોને મોકલી દીધા હતા.

સ્કૂલમાં મિડ-ટર્મ પરીક્ષાનું પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યું હતું અને આ તમામ છોકરીઓ એક કે ત્રણ વિષયમાં નાપાસ થઈ હતી. એવું એમનાં શિક્ષકોએ જણાવ્યું હતું.

કહેવાય છે કે નાપાસ થઈ હોવાને કારણે એમનાં માતા-પિતા ખિજાશે એ ડરથી તેઓ ઘેર પાછી ફરી નહોતી અને ‘મુંબઈ દર્શન’ પર નીકળી ગઈ હતી.

આ છોકરીઓ શુક્રવારે બપોરે સ્કૂલ છૂટી ગયા બાદ મરીન ડ્રાઈવ ભાગી ગઈ હતી. ત્યાંથી હેંગિંગ ગાર્ડન ગઈ હતી અને પછી મુંબઈના રસ્તાઓ પર ફરી હતી. ત્યારબાદ તેઓ ટ્રેન પકડીને થાણે સ્ટેશન ગઈ હતી અને ત્યાંથી કુર્લા સ્ટેશને આવી હતી. કુર્લા સ્ટેશને ટ્રેન આવવાની રાહ જોતી હતી એ જ વખતે પોલીસે એમને શોધી કાઢી હતી. ત્યારબાદ કોલાબા પોલીસ સ્ટેશને એ છોકરીઓને એમનાં માતા-પિતાને સુપરત કરી હતી.

એકેય છોકરી પાસે મોબાઈલ ફોન નહોતો એટલે એમને શોધવાનું પોલીસ માટે બહુ મુશ્કેલ બની ગયું હતું.