કોરોનાથી સાજા થયેલા ૩૫૦ લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ મળ્યો!

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૩૫૦ દર્દીઓ સાજા થઈને
ઘરે પાછાં ફર્યા!


મુંબઈઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી મોટા રાહતના સમાચાર એ આવ્યા છે કે, રાજ્યના 350 કોરોનાથી પીડિત લોકો સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે!

એક જ દિવસમાં ૩૫૦ કોરોનાપીડિતો સારા થઈને ઘરે પાછા ફર્યા. દેશમાં કોરોનાનું આક્રમણ થયું, ત્યારબાદ આ એવી પહેલી ઘટના છે કે, આટલી મોટી સંખ્યામાં, તે પણ એક જ દિવસમાં કોરોનાથી સાજા થઈ ગયેલા ૩૫૦ લોકોને ડિસ્ચાર્જ અપાયો! આ બાબતથી આરોગ્ય વિભાગ તેમજ દરેક દર્દીના સગાંઓને ઘણી મોટી રાહત મળી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ તેમજ પૂના શહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સહુથી વધુ રહી છે. ત્યારે આ જ મુંબઈ તથા પૂણે શહેરમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા હવે વધી રહી છે. મુંબઈમાં 228 દર્દીઓ સારા થઈને ઘરે પાછા ફર્યા છે. તો પૂણેમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા 110 લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. એવી માહિતી આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આપી છે.

‘મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,465 કોરોના સંક્રમિત લોકો સાજા થઈ ગયા છે. રોગીઓ પરનો ઉપચાર સફળ થઇ રહ્યો છે. જેથી વધુ સંખ્યામાં રોગીઓ સારા થઈ રહ્યાં છે. ઉપરાંત કોરોનાની તપાસણી માટેના કેન્દ્રો વધુ સંખ્યામાં ખોલવામાં આવ્યા છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓનું યોગ્ય સમયે, ત્વરિત નિદાન થઈ રહ્યું છે.’ એવું આરોગ્ય મંત્રી ટોપેએ જણાવ્યું.

રાજ્યમાં ૯ માર્ચે કોરોનાથી સંક્રમિત થયેલો પહેલો રોગી મળી આવ્યો હતો. 23 માર્ચે પૂનામાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયેલા રોગીને ઘરે મોકલવામાં આવ્યો. ત્યારબાદ રોગીઓના સાજા થવાનું પ્રમાણ વધી જ રહ્યું છે. તે સોમવારે, 4 માર્ચે, એક જ દિવસમાં સહુથી મોટી સંખ્યામાં એટલે કે, 350 રોગીઓ સારા થઈ ઘરે પાછા ફર્યાં. તેમાં મુંબઈ પાલિકાના 165, થાણા-3, થાણા મહાપાલિકા-11, નવી મુંબઈ મહાપાલિકા-14, કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકા-7, વસઈ-વિરાર મહાપાલિકા-23, રાયગઢ-3, પનવેલ મહાપાલિકાની હદમાં-2 એમ મુંબઈના કુલ 228 દર્દીઓ સાજા થયા.

પૂના મહાપાલિકા-72, પિંપરી-ચિંચવડ મહાપાલિકા-14, સોલાપૂર મહાપાલિકા-22 તો સાતારા-2 એમ પૂનાના 110 રોગી સાજા થઈને ઘરે પાછાં ફર્યા. અમરાવતી મહાપાલિકા-1, બુલડાણા-1 અને નાગપુર પાલિકાના 10 રોગીઓને સાજા થયા બાદ ઘરે મોકલવામાં આવ્યા છે.

‘અત્યારે રાજ્યમાં 25 સરકારી તેમજ 20 ખાનગી તપાસણી કેન્દ્ર કાર્યરત છે. ત્યાં દરરોજ 7 હજારથી વધુ કોરોના સંક્રમિતોની તપાસ કરી શકાય એટલી ક્ષમતા છે. ગઈકાલ સુધીમાં રાજ્યના 1 લાખ 75 હજાર કોરોના ટેસ્ટમાંથી 1 લાખ 62 હજાર કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.’ એવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]