દેશમાં શહેરી કરતાં ગ્રામીણ નેટ યુઝર્સની સંખ્યા વધી

બેંગલુરુઃ દેશમાં સૌપ્રથમ વાર ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધી છે. ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (IAMAI) અને નીલ્સનના તાજા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર, 2019 સુધીમાં ગ્રામીણ ભારતમાં 22.7 કરોડ સક્રિય ઇન્ટરનેટ વપરાશકારો છે, જે શહેરી ભારતીય 20.5 કરોડ વપરાશકારો કરતાં 10 ટકા વધુ છે. દેશમાં વિશ્વની તુલનાએ સસ્તા ઇન્ટનેટ કનેક્શન્સને લીધે વપરાશકારોની સંખ્યામાં વધારો થયો હતો.

આ ઉપરાંત 5-10 વર્ષની વયનાં આશરે 50 લાખ બાળકો જે ફેમિલીના સભ્યોનાં મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને ઓનલાઇન થાય છે. આ સાથે માર્ચ, 2019ની તુલનાએ ભારતમાં પાંચ વર્ષ અથવા એનાથી વધુ વયના 45.1 કરોડ સક્રિય ઇન્ટનેટ વપરાશકારોની સંખ્યા વધીને નવેમ્બર, 2019માં 50.4 કરોડએ પહોંચી છે.

ઇન્ટનેટ વપરાશમાં અમેરિકા, ચીન પછી ભારત ત્રીજા ક્રમે

પાંચ વર્ષ અથવા વધુ વયના 50.4 કરોડ ઇન્ટનેટ વપરાશકારોની સાથે સક્રિય ઇન્ટનેટ વપરાશકારોની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ચીન પછી બીજા ઇન્ટનેટ વપરાશકાર દેશ બન્યો છે, ચીનમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 85.કરોડ છે, જ્યારે અમેરિકામાં 28-30 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે.

જોકે ભારત હજી બંને દેશો કરતાં ઇન્ટનેટ વપરાશમાં પાછળ છે, કેમ કે અમેરિકામાં 88 ટકા અને ચીનમાં 61 ટકા ઇન્ટનેટ વપરાશ થાય છે, જેની તુલનાએ ભારતમાં 40 ટકા થાય છે. અહેવાલ કહે છે કે માર્ચ-નવેમ્બરના સમયગાળામાં ઇન્ટરનેટ ઓનલાઇન વપરાશકર્તાની સંખ્યા પુરુષ વપરાશકર્તાની સંખ્યામાં 9 ટકાનો વધારો થયો હતો, એની સરખામણીએ મહિલા વપરાશકારોની સંખ્યા 21 ટકા વધી હતી. આ સમયગાળા દરમ્યાન મહિલા ઓનલાઇન વપરાશકારોની સંખ્યા 2.6  કરોડ પહોંચી છે.

અંતરિયાળ વિસ્તારોમાં હજી વપરાશકારોની સંખ્યા વધવાની સંભાવના

અહેવાલમાં જણાવ્યા અનુસાર આગામી કેટલાક વર્ષોમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાં નવા વપરાશકર્તાઓ ઉમેરવાની સંભાવના છે. નવેમ્બર 2019 સુધીમાં ટોચનાં આઠ મહાનગરોમાં ઇન્ટરનેટનો વપરાશ માર્ચ, 2019ની 63 ટકાની સરખામણીએ વધીને 65 ટકા હતો.

સ્થાનિક ભાષામાં વપરાશકારોની સંખ્યામાં વધારો

આમાં મજાની વાત એ હતી કે નાનાં શહેરો અને સ્થાનિક ભાષામાં વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો હતો. ખાસ કરીને હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના વપરાશકારોમાં ઇન્ટનેટ વપરાશ ખાસ્સો વધ્યો હતો, જેની સરેરાશ માસિક સંખ્યા 1.3 કરોડથી 2.2 કરોડ લોકો સુધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]