મુંબઈના વરલી વિસ્તારમાં આગામી 8 દિવસો સુધી સંપૂર્ણ લોકડાઉન

મુંબઈઃ શહેરના વરલી અને ડિલાઈલ રોડ પરની BDD ચાલને આવતા 8 દિવસ સુધી 100 ટકા લોકડાઉન કરવામાં આવશે. આ જાણકારી શહેરના મેયર કિશોરી પેડણેકરે આપી છે.

શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એને પગલે સત્તાવાળાઓએ આ નિર્ણય લીધો છે અને તે સંદર્ભમાં પોલીસ તંત્રને પણ લેખિતમાં જાણ કરી દીધી છે.

મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી વિસ્તારના વિધાનસભ્ય છે.

લોકડાઉન-2 તબક્કા દરમિયાન ઉપરના વિસ્તારોમાં લોકોની ગીરદી ઓછી ન થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ મેયર પેડણેકરે સ્પષ્ટતા કરી છે.

વરલી વિસ્તારને કોરોનાનો હોટસ્પોટ જાહેર કરાયો છે. ત્યાં લોકડાઉન અને સંચારબંધી નિયમોનું સતત ઉલ્લંઘન થયા કરતું હતું. ઘણા લોકો ઘરની બહાર નીકળતા હતા. તેથી ગીરદી પર કાબૂ લાવવાનું કઠિન બન્યું હતું.

મુંબઈમાં વાઈરસના દર્દીઓ વધી રહ્યા હોવાથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોટસ્પોટ એવા વરલી અને ડિલાઈલ રોડ પરની બીડીડી ચાલને હવે આઠ દિવસ સુધી 100 ટકા લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કરાયું છે.

મુંબઈમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 9000ને પાર કરી ગયો છે. મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં આ રોગને કારણે 18 જણના મરણ નિપજ્યા હતા. એ સાથે શહેરનો કુલ મરણાંક વધીને 361 થયો છે.

મહાલક્ષ્મી રેસકોર્સના વિશાળ પાર્કિંગ એરિયાને 200-પલંગવાળા આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

એવી જ રીતે, નેહરુ પ્લેનેટેરિયમ, નેહરુ સાયન્સ સેન્ટર, માહિમ નેચર પાર્ક અને બાન્દ્રા ઉપનગરસ્થિત MMRDA ગ્રાઉન્ડને પણ આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે.