તમાકુ ઉત્પાદનો પર સપ્ટેંબરથી વધુ ડરામણી ચેતવણી છપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રના આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયે તમાકુના ઉત્પાદનો પર પ્રકાશિત કરાતી આરોગ્ય સંબંધિત ચેતવણીમાં સુધારો કરી એના માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. આના માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) કાયદો-2008માં પણ સુધારો કરવામાં આવ્યો છે. સુધારિત નિયમ એક સપ્ટેમ્બર, 2020થી અમલમાં આવશે. મંત્રાલયે નવી ચેતવણી સંબંધિત બે ફોટા પણ જારી કર્યા છે.

કેન્દ્ર સરકારે જે ફોટો છાપવાનો આદેશ કર્યો છે એ જૂના ફોટોથી વધુ ડર પેદા કરનારો છે. કેન્દ્ર સરકારના નિયમ અનુસાર એક સપ્ટેમ્બર, 2020 પછી ઉત્પાદિત, આયાત કરવામાં આવેલા અથવા પેકિંગ કરવામાં આવેલાં તમાકુ ઉત્પાદનો પર તસવીર-1ને પ્રકાશિત કરવી પડશે. આ પ્રકારે સપ્ટમ્બર, 2021 પછી ઉત્પાદિત, આયાત કરવામાં આવેલા અથવા પેકિંગ કરવામાં આવેલાં બધાં તંબાકુ ઉત્પાદનો પર તસવીર-2ને પ્રકાશિત કરવી ફરજિયાત છે. નિયમાનુસાર તમાકુ ઉત્પાદનો પર, આયાત અથવા વિતરણથી સંબંધિત બધી વ્યક્તિએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ઉત્પાદનના પેકેટ પર નિયત કરેલા માપદંડો અનુરૂપ આરોગ્ય સંબંધી વિશેષ ચેતવણી પ્રકાશિત કરવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે. નિષ્ણાતો અનુસાર દેશમાં દર વર્ષે તમાકુના ઉપયોગથી આશરે 12 લાખ જણના મોત થાય છે.