મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે મુંબઈ તથા પડોશના ઠાણે અને ભિવંડી શહેરોનાં નાગરિકોને જણાવ્યું છે કે આજથી 10 ટકા પાણીકાપ લાગુ કરાયો છે અને તે બીજી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે એટલે સૌએ પાણીનો સંભાળપૂર્વક વપરાશ કરવો.
મુંબઈ મેટ્રોપોલિટન રીજન વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ કરતી પાઈપલાઈનોમાં અમુક તાકીદનું સમારકામ હાથ ધરવાનું છે. આ સમારકામમાં ઠાણે જિલ્લામાં આવેલા પિસે બંધ વિસ્તારમાં ન્યૂમેટિક (હવાના દબાણથી સંચાલિત) ગેટ સિસ્ટમમાં એર બ્લેડર બદલવાના છે. આ કામ 20 નવેમ્બરથી શરૂ કરીને 2 ડિસેમ્બર સુધી ચાલશે. આને કારણે ત્રણેય પડોશી શહેરોમાં પાણીપૂરવઠામાં થોડીક – 10 ટકા કાપ જેટલી અસર રહેશે.