સાંસદો આજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટશેઃ રાધાકૃષ્ણન અને રેડ્ડી વચ્ચે સીધી ટક્કર

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાના સભ્યો આજે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન છે, જેમનો સીધો મુકાબલો વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી સાથે છે. આ ચૂંટણી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને અચાનક રાજીનામું આપ્યા પછી થઈ રહી છે.

સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનમાં મતદાન ચાલશે, જેમાં કુલ 781 સાંસદ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરીને સંસદ પહોંચ્યા હતા. મતગણતરી સાંજે છ વાગ્યાથી શરૂ થશે અને ત્યાર બાદ તરત જ પરિણામ જાહેર કરવામાં આવશે.

તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (BRC) અને ઓડિશાની બીજુ જનતા દળ (BJD)એ આ ચૂંટણીમાંથી પોતાને અલગ રાખ્યા છે. બંને પાર્ટીઓએ કોઈ પણ ગઠબંધનને સમર્થન ન આપવાનું એલાન કર્યું છે. રાજ્યસભામાં BRCના ચાર અને BJDના સાત સાંસદ છે, જેમના મત ન પડવાથી મુકાબલાને થોડો વધુ રસપ્રદ બનશે. શિરોમણી અકાલી દળે પંજાબમાં આવેલી પૂર પરિસ્થિતિનું કારણ આપીને મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લેઆમ વિપક્ષી ઉમેદવાર રેડ્ડીને સમર્થન આપ્યું છે। બીજી તરફ, વાયએસઆર કોંગ્રેસ (YSRCP)ના 11 સાંસદ એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને સમર્થન આપશે.

જો બધા સાંસદ પાર્ટી લાઇન પ્રમાણે મત આપે તો રાધાકૃષ્ણનને 422 અને રેડ્ડીને 319 મત મળવાની શક્યતા છે, જેના કારણે NDAના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે/. જોકે ગુપ્ત મતદાન હોવાને કારણે ક્રોસ વોટિંગની શક્યતા નકારી શકાય નહીં, જેનાથી પરિણામ પર અસર થઈ શકે છે.