3 દિવસ બાદ મહાદેવ ભારતી બાપુ જંગલ વિસ્તારમાંથી મળ્યા

જૂનાગઢ: પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ગત 2 નવેમ્બરના રોજ વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. તેમના નિવાસસ્થાનેથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 3 દિવસની  શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અને SDRFનું મેગા સર્ચ ઑપરેશન બાપુની ભાળ મેળવવા માટે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં વ્યાપક સ્તરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. આ સંયુક્ત ઑપરેશનમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ સામેલ થયા હતા.

સર્ચ ઑપરેશનની શરૂઆત જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ગિરનાર પર આવેલી વિવિધ જગ્યાઓ જેવી કે જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી.

આ ઉપરાંત, પોલીસે ગિરનાર પર હાજર શ્રદ્ધાળુઓ અને લોકોના ફોટા પાડી તેમનું વેરિફિકેશન પણ કર્યું હતું. ત્રણ દિવસની અથાગ મહેનત બાદ આખરે મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલમાંથી મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આશ્રમમાં અનેક લોકોના આડા સંબંધનો દાવો

આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ  સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

અનેક લોકોએ માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ

મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે.

મને સમાધિ ન આપતા પણ દેહદાન કરી દેજો, જંગલમાં જઉં છું જેથી મારું શરીર પશુઓને કામ આવેઃ સ્યુસાઈડ નોટમાં અપીલ  

ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઈચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવિલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ છે.