કોલકાતાઃ બડા બજાર વિસ્તારમાં મચ્છુઆ ફલમંડી નજીક આવેલી ઋતુરાજ હોટલમાં આગ લાગી હતી. આ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની શક્યતા છે. બચાવ કામગીરી ચાલુ છે.
પોલીસ કમિશનર મનોજ વર્માએ જણાવ્યું હતું કે ઋતુરાજ હોટેલમાં રાત્રે આગ લાગી હતી. આ માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માતની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટેલના ચોથા માળે લગાવવામાં આવેલા વીજળી મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે હોટેલની છત અને બારીઓ પરથી કૂદતા જોવા મળ્યા હતા.
ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે હું રાજ્ય વહીવટી તંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સલામતી નિયમો બનાવવા જોઈએ.
કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું હતું કે આ એક દુ:ખદ અકસ્માત છે. સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી. મને સમજાતું નથી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે.
