અમદાવાદઃ વૈશ્વિક બજારોથી મળતા મિશ્ર સંકેતો અને સમયથી પહેલાં ચોમાસું બેસતાં સપ્તાહના પ્રથમ દિવસે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. ઓટો, IT અને FMCG શેરોમાં લેવાલી રહી હતી. મેટલ રિયલ્ટી અને એનર્જી ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી 25,000ની ઉપર બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત થઈને 85.09ના મથાળે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ત્રણ લાખ કરોડનો વધારો થયો હતો.
બીજી બાજુ, અમેરિકાએ યુરોપિયન યુનિયનથી આયાત પર લગાવેલા 50 ટકા ટેરિફને નવ જુલાઈ સુધી ટાળી દીધો છે. જેની પણ બજારના સેન્ટિમેન્ટ્સ પર સકારાત્મક અસર પડી હતી.આ સાથે રિઝર્વ બેન્ક નાણાકીય વર્ષ 2025 માટે કેન્દ્રને રૂ. 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે, જે મધ્યસ્થ બેન્ક દ્વારા અપાનારું અત્યાર સુધીનું સૌથી વધુ સરપ્લસ છે. આ સાથે ડોલર ઇન્ડેક્સ છેલ્લાં સેશનથી ઘટી રહ્યો છે. જે છેલ્લા એક મહિનાથી નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. એનાથી ભારત જેવા ઉભરતાં બજારોનું સેન્ટિમેન્ટ મજબૂત થયું છે. ડોલરમાં ઘટાડાથી ઉભરતાં બજારોમાં વિદેશી ફંડ વધવાની સંભાવના હોય છે.
સ્થાનિક બજારમાં નિફ્ટી 144 પોઇન્ટ ઊછળી 25,001ના સ્તરે બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 455 પોઇન્ટ ઊછળી 82,176ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 174 પોઇન્ટની તેજી સાથે 55,572ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 380 પોઇન્ટની તેજી સાથે 57,067ના સ્તરે બંધ થયો હતો.
BSE પર કુલ 4267 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2298 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1774 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 195 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 107 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 42 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 332 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 243 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
