સુરત: બારડોલી તાલુકામાં મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના એક જ પરિવારના છ સભ્યોને કથિત રીતે નહેરમાં ફેંકી દેવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, બે બાળકો હજુ પણ લાપતા છે, જ્યારે ૧૩ વર્ષીય કિશોર નહેરમાંથી બહાર નીકળીને બચવામાં સફળ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જળગાંવના એરંડોલ વિસ્તારનો પરિવાર કામ અર્થે વાહનમાં સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાન રાત્રે અન્ય એક વાહનમાં પીછો કરી રહેલા ચાર શખ્સોએ બારડોલીના ઉવા ગામ નજીક પરિવારના વાહનને આંતરીને રોક્યું હતું. આરોપીઓએ પરિવારના સભ્યોને બે અલગ-અલગ વાહનોમાં બેસાડ્યા હતા. કિશોરના માતા-પિતા અને બે વર્ષના બાળકને એક વાહનમાં બેસાડાયા હતા, જ્યારે ૧૩ વર્ષીય કિશોર, તેના ૧૬ વર્ષીય ભાઈ અને નવ વર્ષની બહેનને બીજા વાહનમાં બેસાડીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
૧૩ વર્ષીય કિશોર કોઈક રીતે નહેરમાંથી બહાર નીકળીને કિનારે પહોંચ્યો હતો અને મદદ મેળવી હતી. રવિવારે સવારે મરાઠી ભાષા બોલતો આ કિશોર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જેની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે તેની સૌથી મોટી બહેનનો સંપર્ક કરી નિવેદન નોંધ્યું અને ગુનો દાખલ કર્યો હતો.
શોધખોળ દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીક ઉકાઈ-કાકરાપાર નહેરમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જેની ઓળખ નિતિન ઉર્ફે ભુરિયા પાટીલ, તેમની પત્ની કવિતા પાટીલ અને તેમની નવ વર્ષની પુત્રી તરીકે થઈ છે. કવિતા પાટીલના પ્રથમ પતિનું અવસાન થયા બાદ તેઓ નિતિન સાથે રહેતા હતા. જ્યારે પરિવારના ૧૬ વર્ષીય કિશોર અને બે વર્ષના બાળકની શોધખોળ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા નહેરમાં ચાલુ છે.
સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું કે આરોપીઓ પરિવારના પરિચિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને તેમની ઓળખ થઈ ગઈ છે. આરોપીઓને ઝડપી પાડવા તથા ઘટના પાછળનો હેતુ શોધવા માટે છ પોલીસ ટીમો અને એક ખાસ ટેકનિકલ ટીમ કાર્યરત કરવામાં આવી છે.




