વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી પરિવારના જન્મ શતાબ્દી મહોત્સવનું સમાપન

હરિદ્વાર: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જન્મ શતાબ્દી મહોત્સવ અને અખંડ દીપ શતાબ્દી વર્ષના ઉપક્રમે હરિદ્વાર સ્થિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય (DSVV) અને શાંતિકુંજ ખાતે યોજાયેલા કાર્યક્રમોનું ભવ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે સમાપન થયું છે. આ મહોત્સવમાં ભારત સહિત ૪૦ દેશોમાંથી ગાયત્રી પરિવારના સભ્યો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.સમાપન દિવસની શરૂઆત વૈદિક મંત્રોચ્ચારથી થઈ હતી. શાંતિકુંજના વિદ્વાનો દ્વારા સમૂહમાં વૈદિક ઋચાઓ અને પુરુષ સૂક્તનું સસ્વર પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંગીત, ગીત અને નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને આધ્યાત્મિક આદર્શો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત હજારો લોકોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી.

આ પ્રસંગે મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે ગાયત્રી પરિવાર દ્વારા યોજાતા અશ્વમેધ યજ્ઞ જેવા આયોજનો રાષ્ટ્ર જાગૃતિ અને સામાજિક એકતાનું માધ્યમ છે. તેમણે યુવાનોને પોતાની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર સાથે જોડાયેલા રહીને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધવા આહ્વાન કર્યું હતું. સમારોહના સંચાલન અને નેતૃત્વ સંભાળતા ચિન્મય પંડ્યાએ અતિથિઓ અને સહભાગીઓનું સન્માન કર્યું હતું.

પરમ વંદનીયા માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી, પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સાધના શતાબ્દી અને અખંડ દીપના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ શતાબ્દી વર્ષ દરમિયાન દેશ-વિદેશમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હરિદ્વારના આ સમાપન કાર્યક્રમ સાથે શતાબ્દી મહોત્સવના મુખ્ય ચરણોની પૂર્ણાહુતિ થઈ છે.