મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના ચાર દિવસ બાદ પણ નવા CMને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જો કે સ્થિતિ હવે થોડી ઘણી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. બુધવારે થાણેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સમયે એકનાથ શિંદેએ કહ્યું કે, “અમે ભાજપના CMને સ્વીકારીએ છીએ.”વધુમાં એકનાથ શિંદેએ કહ્યું, “મેં મોદીજીને ફોન કર્યો હતો, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મનમાં કોઈ અડચણ ન લાવો. અમે બધા NDAનો ભાગ છીએ. ભાજપની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમે સ્વીકારીશું. અમે સ્પીડ બ્રેકર નથી. અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ.”શિંદેએ વધુમાં કહ્યું કે, “હું મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી નથી માનતો. મેં હંમેશા સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે. આ જનતાની જીત છે. સમર્થન માટે જનતાનો આભાર. ચૂંટણી વખતે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતા હતા. તમામ કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી હતી.”એકનાથ શિંદેએ કહ્યું, “અમે રાજ્યની પ્રગતિનું સ્તર વધાર્યું. આ સમયે પણ રાજ્યના વિકાસની ગતિ તેજ છે. મોદીજી, શાહજીએ ઘણો સાથ આપ્યો. આટલા નિર્ણયો કોઈ સરકારે લીધા નથી. અમે જનતા માટે 124 નિર્ણયો લીધા. અગાઉની સરકારમાં રાજ્ય પાછળ રહી ગયું હતું અને અમે તેને ફરીથી આગળ લાવ્યા છીએ.”