રશિયામાં આ ગુજરાતી યુવાન ગ્લોબલ હીરો તરીકે ઓળખાયા

અમદાવાદ: ફેડરલ એજન્સી ફોર યુથ અફેર્સ, રશિયન ફેડરેશન દ્વારા આયોજીત વિશ્વનો સૌથી મોટો યુવા કાર્યક્રમ વર્લ્ડ યુથ ફેસ્ટિવલ છે. જે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળ ગત 1થી 7મી માર્ચ દરમિયાન રશિયાના સોચીમાં યોજાયો હતો. આ ફેસ્ટિવલમાં 20,000થી વધુ વૈશ્વિક યુવાનોએ ભાગ લીધો હતો. રમત-ગમત, સંસ્કૃતિ, વિજ્ઞાન, શિક્ષણ, નિષ્ણાત પેનલ, રાઉન્ડ ટેબલ, નેટવર્કિંગ સત્રો અને બીજા ઘણા બધા કાર્યક્રમો દ્વારા યુવાનોને જોડાવવાની તક મળી હતી. આ ઈવેન્ટમાં ભારતીય પ્રતિનિધીમંડળમાં રાષ્ટ્રીય તૈયારી સમિતિના નેતૃત્વમાં 360 યુવાનોએ ભાગ લીધો હતો. યુવા નેતૃત્વ અને વિકાસમાં અગ્રણી માધીશ પરીખ પણ ભાગ લેનારા પ્રતિનિધીઓમાં સામેલ હતા. આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં ઈરાન, ચીન, આર્જેન્ટિના, તાંઝાનિયા, ઈટાલી અને રશિયાના યુવાઓ સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા વૈશ્વિક સાત હીરોમાંથી એક માધિશ પરીખ હતા. ભારતના સૌથી મોટા યુવા સ્વંયસેવી પ્લેટફોર્મમાંના એક એલિક્સિર ફાઈન્ડેશનની સ્થાપના તેમણે કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલા વૈશ્વિક યુવા પ્રેક્ષકોને તેમના સંબોધનમાં માધીશે પોતાની સફરની આંતરદ્રષ્ટિ વિશે વાત કરી હતી.

માધિશ પરીખે ભવિષ્યને ઘડવા માટે યુવાનોને સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો અને વૈશ્વિક યુવાનોને સકારાત્મક પરિવર્તન લાવવાની તેમની ક્ષમતા પર ભાર મૂકીન વધુ સારી દુનિયા માટે પ્રયાસો કરવા માટે એક થવા વિનંતી કરી.

 

ફેસ્ટિવલ દરમિયાન માધીશ પરીખે વિવિધ ઉચ્ચ-સ્તરીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ‘We are toghethar’ એપ્લિકેશન ઝુંબેશની શરૂઆત માટે એમ્બેસડર તરીકે સંબોધન કર્યુ. તેમણે ‘કલા ઐશ્વર્ય’ નામનું ગુજરાતી પુસ્તક સિરિયસ લાઇબ્રેરીને દાનમાં આપ્યું હતું. અમદાવાદમાં શૂટ થયેલી સામાજિક રીતે પ્રભાવશાળી શોર્ટ ફિલ્મનું પ્રીમિયર પણ વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં કર્યું હતું.

માધીશ પરીખની વર્લ્ડ યુથ ફેસ્ટિવલમાં હાજરી અને યોગદાન વૈશ્વિક સ્તરે યુવા નેતૃત્વને બળ આપવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.