સુરત: છેલ્લા શનિ-રવિ એમ બે દિવસીય પોલિટિકલ ડ્રામા ફેસ્ટિવલ જેવો માહોલ શહેરમાં હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન નહિ, પરંતુ ટોક ઓફ ધી કન્ટ્રી બન્યો છે. શું છે આખો મામલો સમજીએ.સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે શંકા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. કુંભાણીના ચારમાંથી ત્રણ ટેકેદારોએ સોગંદનામું કર્યું છે, અને સોગંદનામામાં લખ્યુ કે તેમણે ટેકેદાર તરીકે સહી કરી નથી. જેથી આ બાબતે સુરત કલેક્ટરે શનિવારે નિલેશ કુંભાણી પાસે ખુલાસો માંગ્યો હતો અને રવિવાર સવારે ૧૧ વાગ્યા સુધીની મુદ્દત આપી હતી.રવિવારે મુદ્દતના સમય સુધી ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેને કારણે કલેક્ટરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું. નિલેશ કુંભાણીએ આ મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુંકે એમના ટેકેદારોનું અપહરણ કરાયું છે. જો કે સમગ્ર ઘટનામાં ખુદ નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં છે. કેમ કે એમના ટેકેદારો નજીકના સંબંધીઓ જ છે.બળબળતી ગરમી વચ્ચે આ ઘટનાને કારણે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો એટલે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને એમને પરેશાન કરાયા છે. બીજી તરફ ભાજપ કહે છે આમાં ભાજપનો કોઈ હાથ નથી. હવે આ મામલો કદાચ હાઈકોર્ટમાં અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ સુધી પણ જઇ શકે છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સમર્થકોમાં પણ નારાજગી છે. એ ઈચ્છે છે કે આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. સહી ખોટી કરી હોય તો નીલેશ કુંભાણી સામે પણ પગલાં ભરવાં જોઈએ. જેમણે પણ રમત રમી હોય તેની સામે ફરિયાદ થવી જોઈએ. કારણ કે આ કૃત્યથી લોકશાહીની મજાક ઉડી છે.સુરત આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાનું કહેવું છે કે, પહેલેથી જ શંકા હતી કે નિલેશભાઈ લડવાના મૂડમાં નથી. એકપણ કાર્યાલય શરૂ નથી કર્યું અને કોઈને પણ જવાબદારી આપી નહોતી. એમણે ભારતીય જનતા પાર્ટી સાથે પાંચ કરોડમાં સોદો કર્યો હોય એવું ૧૦૦% લાગે છે. આ નિલેશભાઈનો આ પ્રિ-પ્લાન હતો એવું લાગી રહ્યું છે.હવે જોવાનું એ છે કે આરોપ-પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ શું નિર્ણયો લે છે? લોકશાહીનું ખૂન થઇ રહ્યું હોવાની દુહાઈ આપતી કોંગ્રેસ આ મામલે તટસ્થ તપાસ માટે આગળ આવશે? કે માત્ર ભાજપ પર આરોપ મૂકીને બેસી રહેશે? હાલ તો નાટક નગરી ગણાતી સુરતમાં આ પોલિટિકલ ડ્રામાનો પહેલો ભાગ ભજવાઈ ગયો છે. હવે બીજા ભાગમાં શું વળાંક આવે છે એના પર સૌની નજર છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)