રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું

રાજકોટ: લોકસભા ચૂંટણી માટે અંતે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. આમ હવે રાજકોટ બેઠક ઉપર રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ નક્કી થઈ ગયો છે.આજે સવારે 11 વાગ્યે શહેરના બહુમાળી ભવન ચોકમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રતાપ દુધાત ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અને ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી હતી. નેતાઓએ પરેશભાઈને જીતાડી ભાજપનો અહંકાર ઓગાળવા લોકોને અપીલ કરી હતી.સભામાં મંચ ઉપર ક્ષત્રિય સંમેલન યોજાયું. તેમાં કેસરી સાડીમાં મહિલાઓ હાજર હતી. તેનું મોટું બેનર સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સભામાં ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને ઓવારણાં લીધા હતા.વિશાળ જનસભા એક તરફ ચાલુ જતીન પ્રદેશના નેતાઓ ભાષણ આપતા હતા. ત્યારે ચાલુ સભાએ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને કલેકટર કચેરીએ 12.30 કલાકે પહોંચી ગયા હતા. ફોર્મ ભરવામાં મોડું ન થાય એટલે આવી રણનીતિ અપનાવી હતી.

શક્તિસિંહ ગોહિલ રાજકોટની સભામાં હાજર હોવા છતાં તેમણે કે બીજા નેતાઓએ ધાનાણી ફોર્મ ભરે ત્યારે હાજર રહેવાનું ટાળી સમય અને વ્યવસ્થા સાચવી હતી. ચાલુ સભાએ ધાનાણીએ કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નીશુ કાચા)