ખ્યાતિ હોસ્પિટલ કાંડ: ફરાર આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

અમદાવાદ: ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે. જે વિદેશમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હોસ્પિટલના ડિરેક્ટર અને ભાગીદાર છે.

ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન રાજશ્રી કોઠારીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાજશ્રી કોઠારી નિર્દોષ છે અને આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે.’

કોણ છે રાજશ્રી કોઠારી? 

રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. આ ઉપરાંત હોસિટલમાં તેમની 3.61 ટકાની ભાગીદારી પણ છે. હોસ્પિટલના ડિરેક્ટરો અને ચેરમેનની મીટિંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પી.એમ.જે.એ.વાય. કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હોસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.