નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ ન થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજીને ટ્રાન્સફર કરી લીધી છે અને આ મામલે કોર્ટ ગુરુવારે સુનાવણી કરશે. એ સાથે જ રાજ્ય સરકારને કોર્ટે કહ્યું છે કે આવતી કાલ સુધી પોતાનો જવાબ દાખલ કરે.
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટની તે ટિપ્પણી- કમલ હાસનને કર્ણાટકની જનતાથી માફી માગવાની સલાહ પર પણ ફટકાર લગાવતાં જજોએ કહ્યું હતું કે CBFC (સેન્સર બોર્ડ)નું પ્રમાણપત્ર મળ્યા પછી કોઈ ફિલ્મને રિલીઝ કરતી અટકાવવી શક્ય નથી. જો કોઈ વ્યક્તિને કમલ હાસનના નિવેદનથી અસભ્યતા લાગી હોય તો તે પોતાની તરફથી જવાબ આપી શકે છે. એ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે, પણ ઉગ્ર વિરોધનાં બહાનાં બનાવીને રાજ્ય સરકાર ફિલ્મના રિલીઝની જવાબદારીમાંથી બચી શકતી નથી.
સુપ્રીમ કોર્ટે ખાસ રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટે કેમ ફિલ્મના નિર્માતાઓને કર્ણાટકની જનતાથી માફી માગવાની સલાહ આપી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ હાઈકોર્ટનું કાર્ય નથી.
મૂળ વિવાદ 24 મેથી શરૂ થયો હતો, જ્યારે કમલ હાસને ચેન્નઈમાં ફિલ્મના ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન એવી ટિપ્પણી કરી હતી કે કન્નડ ભાષા તમિળ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. તેમના આ નિવેદનથી કર્ણાટકમાં ભારે નારાજગી ફેલાઈ હતી. CM સિદ્ધારમૈયા, કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ પણ કમલ હાસનના નિવેદનનો વિરોધ કર્યો હતો.
