નવી દિલ્હીઃ જેપી ગ્રુપની કંપની જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ સામેના મની લોન્ડરિંગ કેસમાં EDએ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગૌરની ધરપકડ કરી છે. EDનો આરોપ છે કે જેપી એસોસિયેટ્સ લિમિટેડે મનોજ ગૌર મારફતે રૂ. 12,000 કરોડની છેતરપિંડી કરી છે અને ઘર ખરીદદારોના પૈસાની હેરાફેરીમાં સંકળાયેલા છે.
મેમાં મોટી દરોડાની કાર્યવાહી
આ જ વર્ષે મે, 2025માં EDએ મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ મોટી કાર્યવાહી કરતાં જેપી ઇન્ફ્રાટેક, જેપી એસોસિયેટ્સ અને તેમની સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. એ સમયે દિલ્હી-મુંબઈ સહિત આશરે 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, એમ અહેવાલ કહે છે.
આ કાર્યવાહી 23 મે, 2025એ થયેલી જેમાં EDએ અનેક જરૂરી દસ્તાવેજો સાથે રોકડ પણ જપ્ત કરી હતી. એક રિપોર્ટમાં EDના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે તેણે જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ, જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ અને અન્ય કંપનીઓ વિરુદ્ધ પૈસાની છેતરપિંડીના કેસમાં ચાલતી મની લોન્ડરિંગ તપાસમાં રૂ. 1.70 કરોડની રોકડની જપ્ત કરી હતી. આ સિવાય અધિકારીઓએ બેંક રેકોર્ડ, ડિજિટલ ઉપકરણો અને વિવિધ દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.
दिल्ली –
JP इंफ्राटेक के MD मनोज गौर को ED ने गिरफ्तार किया , मनी लॉंड्रिंग के मामले में ED ने की कार्रवाई !!
— Gaurav Singh Sengar (@sengarlive) November 13, 2025
ખરીદદારોના પૈસાની છેતરપિંડી
EDની તપાસ જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ પર લાગેલા એવા આરોપોને લઈને છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પોતાના પ્રોજેક્ટ્સ માટે ઘર ખરીદદારો પાસેથી મેળવેલા પૈસાનો અન્ય સ્થળોએ ઉપયોગ કર્યો અને તેનો દુરુપયોગ કર્યો. આ છેતરપિંડીમાં અનેક રોકાણકારોના પૈસા ફસાઈ ગયા છે.
વર્ષ 2017માં જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ (JIL)ના પ્રમોટરો વિરુદ્ધ અનેક FIR દાખલ કરવામાં આવી હતી, જ્યારે ઘર ખરીદદારો બિલ્ડર વિરુદ્ધ પ્રદર્શન કરવા ઊતરી આવ્યા હતા અને તેમની પાસેથી લીધેલા પૈસા અન્ય પ્રોજેક્ટ્સમાં વાપરવાનો આરોપ લગાવ્યો હતો.


