જમ્મુ-કાશ્મીરમાં 24 બેઠક પર મતદાન, 5 કલાકમાં બનિહાલમાં 30% વોટિંગ

જમ્મુ-કાશ્મીર: આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં શરૂઆતના 5 કલાકમાં થયેલા મતદાનની જો વાત કરીએ તો, અનંતનાગમાં 16.9% અને બનિહાલમાં 30% મતદાન નોંધાયું છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની આઠ બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાને છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.