ISPL T10 લીગમાં માઝી મુંબઈની જીત સાથે શાનદાર શરૂઆત!

મુંબઈ: 07 માર્ચ, 2024ના રોજ શરૂ થયેલી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની પ્રથમ મેચમાં માઝી મુંબઈએ શ્રીનગર કે વીરે સામે 37 રનથી વિજય મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. ગલીઓમાં રમતી પ્રતિભાઓને સ્ટેડિયમની ભવ્યતામાં જોવી એક અલગ જ અનુભવ હોય છે. થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમ ખાતે યોજાયેલા રોમાંચક મુકાબલામાં, માઝી મુંબઈએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. મેચમાં કેટલીક અસાધારણ ક્ષણો જોવા મળી. કેપ્ટન યોગેશ પેનકર મેન ઓફ ધ મેચ બન્યા હતા. મેચમાં વિજય પાવલેના સનસનાટીભર્યા કેચએ ટીમના ફિલ્ડિંગ કૌશલ્યને વધુ સારી રીતે દર્શાવ્યું હતું.

શ્રીનગર કે વીર અને માઝી મુંબઈ વચ્ચેની રોમાંચક મુકાબલામાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે યોગેશ પેનકરની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. માઝી મુંબઈએ શરૂઆતની ઈનિંગમાં 7 વિકેટ ગુમાવીને 140 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. કુશળ બોલિંગ પ્રદર્શનને કારણે માઝી મુંબઈ શ્રીનગર કે વીરેના રન ચેઝને મર્યાદિત કરવામાં સફળ રહી હતી. મેદાન પર માઝી મુંબઈના વર્ચસ્વને વધુ મજબૂત બનાવવામાં બોલર્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બશારત હુસૈન વાનીએ ત્રણ મહત્વની વિકેટ લઈને શ્રીનગર કે વીરે પર પ્રેશર બનાવ્યું હતું.

માઝી મુંબઈની જીત પર કેપ્ટન યોગેશ પેનકરે કહ્યું, “આ જીત માત્ર મારી નથી, તે ટીમના દરેક સભ્યની છે. જેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તે દરેક વ્યક્તિની અને અમને ટેકો આપનાર દરેક ચાહકની આ જીત છે. આ ખરેખર એક અદ્ભુત અનુભૂતિ છે અને અમને વિશ્વાસ છે કે અમે જીતના આ સિલસિલાને ચાલુ રાખવામાં સક્ષમ છીએ!”

માઝી મુંબઈ ટીમના સહ-માલિક અને PATH લિમિટેડના ડિરેક્ટર નીતિ અગ્રવાલે ટીમની જીત પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “અમારી ટીમે માત્ર ક્રિકેટની પ્રતિભા જ નહીં પરંતુ ખેલદિલીના સાચા સારને મૂર્ત સ્વરૂપ આપતી ભાવના દર્શાવી છે. આ વિજય માત્ર શરૂઆત છે અને અમે ISPLમાં એક રોમાંચક પ્રવાસની રાહ જોઈ રહ્યા છીએ. જે ટેનિસ બોલ ક્રિકેટના ઈતિહાસમાં અમારી છાપ છોડશે.”

માઝી મુંબઈના મુખ્ય કોચ કરુણાકર માધવ કોટિયને ટીમની સફળ શરૂઆત પર ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે, “માઝી મુંબઈ અને તેના ચાહકો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. પ્રથમ મેચમાં ટીમનું અસાધારણ પ્રદર્શન અમારા ખેલાડીઓના સમર્પણ અને કૌશલ્યનું પ્રમાણ છે.”

જો માઝી મુંબઈ ટીમ વિશે વાત કરવામાં આવે તો તે મુંબઈ સ્થિત પ્રોફેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની પ્રથમ સિઝનમાં ભાગ લઈ રહી છે. સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને નીતિ તેમજ નિપુણ અગ્રવાલની સહ-માલિકીની આ ટીમ છે. નીતિ અને નિપુણ અગ્રવાલ ‘પ્રકાશ એસ્ફાલ્ટિંગ્સ એન્ડ ટોલ હાઈવેઝ’ (PATH) ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે. રમત-ગમતને પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાઓને તક આપવાની પ્રતિબદ્ધતા સાથે, માઝી મુંબઈ ગ્રાઉન્ડ બ્રેકિંગ ISPL T-10 લીગમાં સફળતાના માર્ગ પર આગળ વધી રહી છે.

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) એ ભારતની પ્રથમ T-10 ક્રિકેટ લીગ છે. જે સ્ટેડિયમની અંદર ટેનિસ બોલ વડે રમાય છે. તે સમગ્ર દેશની ગલીઓમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભા માટે વ્યાવસાયિક પ્લેટફોર્મ પ્રદાન કરતી એક અનોખી પ્રતિયોગીતા છે. જેનો હેતુ ગલી ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. લીગમાં ભારતના વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતી 6 ટીમ છે. જેની માલિકી જાણીતી હસ્તીઓની છે. પ્રથમ તબક્કામાં 6 ટીમ વચ્ચે એક-એક મેચ રમાશે. તેના પરિણામના આધારે ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ અને બાદમાં ટોપ-2 વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ભારતના નાના-નાના કસબાઓમાં છુપાયેલી ગ્રાસરૂટ પ્રતિભાને પ્લેટફોર્મ આપવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.