પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હી: 16 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી વચ્ચે યોજાનારા પેરિસ ઓલિમ્પિક-2024માં કુલ 117 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાથે જ 140ના સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલયે મંગળવારે અંતિમ ટુકડીને મંજૂરી આપી હતી. ખેલાડીઓના જૂથમાં 47 મહિલાઓ અને 70 પુરૂષોનો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલા સપોર્ટ સ્ટાફમાંથી, 67ને ગેમ્સ વિલેજમાં આવાસ આપવામાં આવશે. જ્યારે બાકીનાને હોટેલ્સ અને ગેમ્સ વિલેજની બહારના સ્થળોએ રાખવામાં આવશે.

સૌથી વધુ 18 જેટલા સહાયક કર્મચારીઓ શૂટર્સની સાથે રહેશે. જ્યારે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ માટે, 17 સપોર્ટ સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, છ કુસ્તીબાજો (પાંચ મહિલા અને એક પુરુષ) માટે 18 સપોર્ટ સ્ટાફના જૂથને મંજૂરી આપવામાં આવી છે.જો કે, 117 એથ્લેટ્સની સૂચિમાંથી એક નોંધપાત્ર ગેરહાજર નામ શોટ પટર આભા કઠુઆનું હતું. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. કઠુઆના નામની બાદબાકી કેમ કરવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.