સેન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય શિખર મંત્રણા કરવા માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ અમેરિકા આવ્યા છે. કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો શહેરથી લગભગ 40 કિ.મી. દૂર આવેલા ગ્રામીણ વિસ્તારના વિશાળ બંગલા ‘ફિલોલી એસ્ટેટ’ ખાતે બંને નેતા વચ્ચે ગઈ કાલે શિખર સંમેલન યોજાયું હતું. લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ મંત્રણામાં બંને નેતા એમના દેશના લશ્કર વચ્ચે સમાનતાના આધાર પર અને આદર રાખીને ઉચ્ચ સ્તરીય સંદેશવ્યવહાર ફરી શરૂ કરાવવા માટે સહમત થયા હતા.
(તસવીર સૌજન્યઃ @WhiteHouse)
તેઓ એ મુદ્દે પણ સહમત થયા છે કે બંને દેશ વચ્ચેના મતભેદો ઉકેલી શકાય એવી સ્થિતિમાં રહેવા જોઈએ અને સંબંધો બગડવા ન જોઈએ. બંને નેતાએ બાદમાં સાથે જ બપોરનું ભોજન લીધું હતું અને બંગલાના ગાર્ડનમાં લટાર મારી હતી.
જિનપિંગ ફિલોલી એસ્ટેટ ખાતે આવી પહોંચ્યા ત્યારે બાઈડને એમનું સ્વાગત કર્યું હતું. આ જ સ્થળે વાર્ષિક એશિયા-પેસિફિક આર્થિક સહકાર અંગેનું શિખર સંમેલન મળવાનું છે. બાઈડન અને જિનપિંગ છેલ્લે ઈન્ડોનેશિયાના બાલી ખાતે 2022ના સપ્ટેમ્બરમાં G20 શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા. ગઈ કાલની શિખર મંત્રણામાં બાઈડન અને જિનપિંગે મધ્યપૂર્વ, ઈરાન, યૂક્રેન, તાઈવાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કેફી દ્રવ્યોના દૂષણ, પર્યાવરણમાં ફેરફાર જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.