ઇમરાન ખાનની સામે 10 કેસોમાં વોરંટ જારીઃ શહબાઝ શરીફ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડને લઈને વિવાદ ચરમસીમાએ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અલ-કાદિર ટ્રસ્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે બે સપ્તાહના જામીન આપ્યા છે જોકે આ દરમ્યાન ઇમરાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને પાક રેન્જર્સની સાથે ધક્કામુક્કી કરી હતી. બીજી બાજુ, ઇમરાન ખાનની ધરપકડના રાજકીય ડ્રામાના માત્ર બે દિવસમાં બબાલમાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. અબજો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ઇમરાન ખાનના સમર્થકોએ ધરપકડનું ઠીકરું પાકિસ્તાની સેના પર ફોડ્યું છે.  સુપ્રીમ કોર્ટનો ઇમરાન ખાનને છોડી મૂકવાનો ચુકાદો શહબાઝ સરકાર અને પાકિસ્તાની સેના માટે એક મોટા આંચકા સમાન છે.

આ દરમ્યાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઇમરાન ખાન પર મોટો હુમલો કરતાં કહ્યું હતું કે 10 કેસમાં તેમની સામે ધરપકડનું વોરંટ જારી છે. જોકે તેમણે કહ્યું હતું કે નવ મેનો દિવસ દેશ માટે શરમજનક દિવસ હતો. દેશ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને દેશને અસ્થિર કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. અલ કાદિર ટ્રસ્ટ મામલામાં 60 અબજનું કૌભાંડ થયું છે. જે કવરમાં દસ્તાવેજ બંધ હતા- શું એમાં કાશ્મીરને વેચવાના દસ્તાવેજ હતા?  સુપ્રીમ કોર્ટ ઇમરાનની ઢાલ બની છે.  

એ વાતની પૂરી સંભાવના છે કે નવ મેએ તોફાનોને મામલામાં પંજાબ પોલીસ તેમની આજે ધરપકડ કરી શકે છે. પાકિસ્તાની સેનાએ લાહોરના કોર કમાન્ડર સલમાન ફૈય્યાઝને તેમના પદથી દૂર કર્યા છે. ઇમરાન ખાનના સમર્થકોએ કોર કમાન્ડરના ઘર પર હુમલો કરીને ચોરી કરી હતી.

ઇમરાન ખાનની ધરપકડ માટે પંજાબ પોલીસ પહેલાં ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહાર હાજર છે. DIG પંજાબે કહ્યું હતું કે તેએ ઇમરાન ખાનની વિરુદ્ધ કમસે કમ 10 કેસોમાં ધરપકડ માટે આવ્યા છે.