LG-કેજરીવાલ વચ્ચે ફરી વિવાદઃ ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી ‘આપ’ સરકાર

નવી દિલ્હીઃ દિલ્હીના IAS અધિકારીઓ પર નિયંત્રણ સંબંધી મામલામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હીના અધિકારીઓ પર નિયંત્રણ ચૂંટાયેલી સરકાર હશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે દિલ્હીમાં પોલીસ, પબ્લિક ઓર્ડર અને જમીનથી જોડાયેલા મામલા સિવાય અન્ય મામલામાં પણ દિલ્હી સરકાર નિર્ણય લઈ શકે છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે દિલ્હીના LGએ ચૂંટાયેલી સરકારની સલાહને માનવી પડશે.

આ ચુકાદાના બીજા જ દિવસે શુક્રવારે ફરી એક વાર દિલ્હીની કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છએ. કેજરીવાલ સરકારે આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ઉપરાજ્યપાલ અધિકારીઓની ટ્રાન્સફર નથી કરવા દેતા. આ મામલે દિલ્હી સરકારે તરત સુનાવણી કરવાની માગ કરી છે. જોકે સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી આવતા સપ્તાહે કરે એવી શક્યતા છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેજરીવાલ સરકાર તરત એક્શનમાં આવી હતી. સરકારે મનપસંદ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ શરૂ કરી દીધી હતી. કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે પોતાના વિભાગના સચિવ આશિષ મોરેને પદથી હટાવીને તેમની જગ્યાએ અનિલ કુમાર સિંહને નવા સચિવ નિયુક્ત કર્યા છે.

આશિષ મોરેની ટ્રાન્સફર પછી આપ સરકાર અને LG સચિવાલય સામસામે આવી ગયા હતા. દિલ્હી LG ઓફિસે મોરેની ટ્રાન્સફર ગેરકાયદે બતાવ્યા હતા. LG ઓફિસે કહ્યું હતું કે મોરેની ટ્રાન્સફરને લઈને યોગ્ય પ્રક્રિયાનું પાલન નથી કર્યું. સૂત્રોનું કહેવું કહતું કે એક અધિકારીની બદલીનો કાર્યકાળ પૂરો થયા પહેલાં સિવિલ સેવા બોર્ડમાં કરી શકાય છે.