સરકારી નોકરીઓમાં અનામતને મુદ્દે બંગલાદેશમાં હિંસાઃ છનાં મોત

ઢાકાઃ બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માગને લઈને દેશભરમાં હિંસા ફેલાઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં છ લોકોનાં મોત થયા છે અને 400થી વધુ લોકો ઘાયલ થયા છે. દેશની યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ્સ પર પોલીસે ટિયર ગેસ છોડ્યા હતા અને લાકડીઓથી માર માર્યો હતો.જેથી બંગલાદેશની સ્કૂલ અને યુનિવર્સિટી આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.

1971માં પાકિસ્તાનથી દેશને આઝાદ કરાવવા માટે લડવાવાળા યુદ્ધ નાયકોનાં બાળકોને સરકારી નોકરીઓમાં અનામત આપવાના વિરુદ્ધ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ કેટલા દિવસોથી સભાઓ કરી રહી છે. આ સિવાય કેટલીક નોકરીઓ મહિલાઓ, અલ્પસંખ્યકો અને વિકલાંગો માટે પણ આરક્ષિત છે. સરકારી નોકરીઓમાં એક તૃતીયાંશ પદો પર યુદ્ધ નાયકોનાં બાળકોને નોકરીઓ પર રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે આ પ્રણાલી ભેદભાવપૂર્ણ છે. તેઓ યોગ્યતાને આધારે ભરતી ઇચ્છે છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે નોકરીમાં અનામત પર સ્ટે લગાવી દીધો હતો, પણ વડા પ્રધાન શેખ હસીનાએ એને લાગુ નહોતો કર્યો. હસીના સરકારનું કહેવું છે કે આ નિર્ણય અમારા હાથોમાં છે. બંગલાદેશમાં સરકારી નોકરીઓ સૌથી વધુ પ્રતિષ્ઠિત છે, કેમ કે એમાં સારો પગાર મળે છે.

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસા જારી છે. હસીનાના ટેકેદારોએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. યુનિવર્સિટી સ્ટુડન્ટ નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે હસીના ટેકેદારો ડન્ડા અને પથ્થરથી હુમલો કર્યો હતો, જેમાં 150 લોકો ઘાયલ થયા હતા, જેમાં 30 મહિલાઓ અને 20 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે.