વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસના સંકટમાં ફસાયેલા ભારતને મદદરૂપ થવા અમેરિકા તૈયાર થયું છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે જીવલેણ કોવિડ-19 રોગચાળા સામે ભારત સરકારે આદરેલા જંગમાં એને તાકીદની સહાયતા પૂરી પાડવા માટે અમેરિકન પ્રમુખ જૉ બાઈડનના વહીવટીતંત્રની ટીમ કામ કરી રહી છે. ભારત સરકારે કોવિશીલ્ડ રસીના ભારતમાંના ઉત્પાદન માટે તાકીદે જરૂર છે એવી કાચી સામગ્રી તાત્કાલિક મોકલવાની અમેરિકાની સરકારને વિનંતી કરી છે. ભારતમાં ભયાનક કોરોના બીમારીથી લોકોને બચાવવામાં મદદરૂપ કરવા ત્યાંની સરકારને જરૂરી કાચી સામગ્રી અને આરોગ્ય સહાયતા પૂરી પાડવાની અમેરિકાના ટોચના સંસદસભ્યોએ પણ બાઈડન સરકારને વિનંતી કરી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાનને ફોન કરીને ભારતની વિનંતી જણાવી હતી. તે પછી બાઈડન વહીવટીતંત્રએ ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો છે. વ્હાઈટ હાઉસની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનાં પ્રવક્તા એમિલી હોર્ને કહ્યું છે કે સુલિવાન અને ડોવલ વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીતને પગલે અમેરિકા સરકાર આ સંકટની ઘડીમાં ભારતને મદદ કરવા કૃતનિશ્ચય છે.