અમે આસામને 11 વર્ષમાં 5.5 લાખ કરોડ આપ્યા છે: PM મોદી

ગૌહાટી: વડા પ્રધાન મોદી આસામના પ્રવાસે છે, જ્યાં તેમણે 5450 કરોડ રૂપિયા કરતાં વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ યોજનાઓનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ શિક્ષણ અને અર્બન મોબિલિટી ને નવી ગતિ આપવાનો છે. આ પ્રસંગે ગૌહાટી ખાતે જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આજે ભાજપ જ્યાં પહોંચ્યો છે તેનું શ્રેય માત્ર અને માત્ર ભાજપના કાર્યકર્તાઓને જાય છે. જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું દર્શન કરવું પોતે જ મોટું સૌભાગ્ય છે.

પૂર્વોત્તરને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા પર ભાર

તેમણે જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભાજપનો કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા કરે છે, તેથી ભાજપ આગળ વધે છે. હું ગર્વથી કહું છું કે મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ વાત એ છે કે નરેન્દ્ર મોદી ભાજપનો કાર્યકર છે. થોડા દિવસ પહેલાં જ દેશનું બજેટ આવ્યું છે. બજેટ પછી આસામ અને પૂર્વોત્તરનો આ મારો પહેલો પ્રવાસ છે. જેને કોંગ્રેસે હંમેશાં અવગણ્યો, તે પૂર્વોત્તરની અમે ભક્તિભાવથી સેવા કરી રહ્યા છીએ.

પૂર્વોત્તર અમારા માટે અષ્ટલક્ષ્મી છે. આ વર્ષનું બજેટ અષ્ટલક્ષ્મી માટે ભાજપ અને NDAના વિઝનને વધુ મજબૂત બનાવે છે. બજેટમાં પૂર્વોત્તરને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું વિશેષ ફોકસ છે.

આસામમાં કોંગ્રેસ પર નિશાન

આ પ્રસંગે તેમણ કહ્યું હતું કે જે કોંગ્રેસ આસામના વિકાસ માટે પૈસા આપવા પણ ટાળતી હોય, તે આસામનો વિકાસ કેવી રીતે કરી શકે? અહીંના યુવાનો, ખેડૂતો અને ગામોનું ભલું કેવી રીતે કરી શકે? આ વર્ષના બજેટમાં પૂર્વોત્તરની કનેક્ટિવિટી વધુ સારી બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોંગ્રેસ સરકારના સમયમાં આસામને પાઈ-પાઈ માટે તરસાવાયો હતો. ત્યારે આસામને ટેક્સના હિસ્સા રૂપે માત્ર 10,000 કરોડ રૂપિયા મળતા હતા. હવે ભાજપ સરકારમાં આસામને કોંગ્રેસના સમયમાં કરતાં પાંચ ગણાં વધુ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લાં 11 વર્ષમાં આસામને વિવિધ વિકાસ યોજનાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી સવા પાંચ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ મળ્યા છે.