તિરંગાના રંગમાં રંગાયું બુર્જ-ખલિફાઃ UAEનું ભારતને સમર્થન

દુબઈઃ કોરોના વાઇરસ સામે લડાઈ લડી રહેલા ભારત સાથે હવે સંયુક્ત આરબ અમિરાત (UAE) પણ ખભેખભા મિલાવીને ઊભું છે. કોરોનાના આ મુશ્કેલ સમયમાં ભારતને હિંમત આપતાં UAEએ સૌથી મોટી ઇમારત બુર્જ ખલિફાને તિરંગાથી પ્રજ્વલિત કરી છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. એવામાં સાઉદી અરેબિયા, યુકે, અમેરિકા સહિત કેટલાય દેશો ભારતની પડખે ઊભા છે. UAEએ ભારતને ટેકો આપતાં એની સૌથી મોટી ઇમારત બુર્જ ખલિફાને તિરંગાના રંગમાં રંગી દીધો છે. એણે આ ઇમારત પર મેસેજ લખ્યો છે #StayStrongIndia. રવિવારે મોડી રાતે UAEમાં ભારતીય એમ્બેસેડર તરફથી એક વિડિયો જારી કર્યો છે, આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છે કે ભારત કોરોનાની સામે ભીષણ લડાઈ લડી રહ્યું છે. આવામાં એનો મિત્ર UAE શુભકામનાઓ મોકલે છે કે બધું જલદી સારું થશે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુર્જ ખલિફા ઇમારત તિરંગાની લાઇનોથી ઝગમગી રહી છે. ભારતમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. હવે અમેરિકા પણ કોરરોનાની રસી બનાવતા કાચા માલની નિકાસ માટે મંજૂરી આપી છે. રવિવારે અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ભારતને રસી બનાવવા માટે દરેક કાચા માલનો સપ્લાય કરશે. અમેરિકા દ્વારા તાત્કાલિક રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવવામા આવશે.

આ પહેલાં ભારતને કોરોના સંક્રમણની સામે બ્રિટનનો સાથ મળ્યો હતો. બ્રિટને ભારતને 600 એવા ઇક્વિપમેન્ટ મોકલવાની ઘોષણા કરી હતી, જે કોરોનાની સામે કામ આવી શકે. રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ યુકેથી ભારત આવવા રવાના થઈ ગઈ છે, જે મંગળવારે ભારત પહોંચશે.