અમેરિકાની શાળામાં હત્યાકાંડઃ ગોળીબારમાં 18 બાળકો ઠાર

વોશિંગ્ટનઃ અમેરિકામાં શાળામાં ગોળીબારની ઘટનાઓના ઈતિહાસના સૌથી ભયાનક બનાવમાં, ટેક્સાસ રાજ્યની એક એલીમેન્ટરી (પ્રાથમિક) શાળામાં એક હુમલાખોરે બેફામપણે ગોળીબાર કરીને 21 જણના જાન લીધા છે. આમાં 18 બાળકો છે અને ત્રણ પુખ્ત વયનાં માનવી છે. ગોળીબારમાં બીજા અનેક જણને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે બાદમાં હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. હુમલાખોર 18-વર્ષનો છોકરો હતો. પોલીસનું કહેવું છે કે હુમલાખોર છોકરાનું નામ સેલ્વાડોર રેમોસ હતું અને તે નોર્થ ડાકોટાનો રહેવાસી હતો. ગોળીબાર કરવાનો એનો ઈરાદો શું હતો એ હજી પોલીસને સ્પષ્ટ થયું નથી.

આ ઘટના ટેક્સાસના યૂવાલ્ડી નગરની રોબ એલીમેન્ટરી સ્કૂલમાં મંગળવારે સવારે 11.30 વાગ્યે બની હતી. આ નગર સેન એન્ટોનિયો શહેરથી 134 કિ.મી. દૂર આવેલું છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબટે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હુમલાખોરે બે પોલીસ જવાનને પણ ગોળી મારી હતી અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એ સાજા થઈ જવાની આશા છે.

હુમલાખોર રેમોસે એક હેન્ડગન અને એક AR-15 ઓટોમેટિક રાઈફલમાંથી ગોળીબાર કર્યો હતો. એ પોતાની સાથે અઢળક કારતૂસો લઈને ગયો હતો. સ્કૂલની વેબસાઈટ પર જણાવ્યા મુજબ મૃતક વિદ્યાર્થીઓ પાંચથી લઈને 11 વર્ષની વયનાં હતાં અને તેઓ બીજા, ત્રીજા અને ચોથા ધોરણમાં ભણતાં હતાં.

આ ઘટના બની હતી ત્યારે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન જાપાનમાંથી ફ્લાઈટમાં પાછા ફરી રહ્યા હતા. એમણે મૃતકોની યાદમાં 28 મે શનિવારે સાંજે સૂર્યાસ્ત સુધી અમેરિકાનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે.