ન્યૂયોર્કઃ અમેરિકાના મેન રાજ્યમાં આવેલા લુવિસ્ટન શહેરમાં ગઈ કાલે રાતે ત્રણ સ્થળે ગોળીબારની ભયાનક ઘટના બની છે. એમાં ઓછામાં ઓછા 22 જણના મરણ નિપજ્યા છે અને 50થી 60 જેટલા લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના લુવિસ્ટન શહેરમાં એક સુપરસ્ટોર, એક બોલિંગ એલી અને એક બીયર બારમાં બની હોવાનો અહેવાલ છે. ત્રણેય સ્થળે એક જ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો અને તે ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. લુવિસ્ટન પોલીસ વિભાગે શકમંદ હુમલાખોરના ત્રણ ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર રિલીઝ કર્યા છે. તસવીરમાં હુમલાખોર એક સેમી-ઓટોમેટિક રાઈફલ સાથે દેખાય છે. તે દાઢીવાળો છે અને એણે બ્રાઉન કલરનું હૂડી જેકેટ તથા જીન્સ પેન્ટ પહેર્યું છે.
મેન રાજ્યના પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X મારફત લોકોને અપીલ કરી હતી કે તેઓ એમનાં ઘરમાં જ રહે અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી રાખે.
ગોળીબારની ઘટના સ્પેરટાઈમ રિક્રીએશન બોલિંગ એલી, સ્કીમેન્જિસ બાર એન્ડ ગ્રિલ રેસ્ટોરન્ટ અને વોલ્માર્ટ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર ખાતે બની હતી. બોલિંગ એલી સ્થળ રેસ્ટોરન્ટથી લગભગ અઢી કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. એલ પાસો વોલ્માર્ટ સુપરસ્ટોર ખાતે લોકો ખરીદી કરી રહ્યાં હતાં એ જ વખતે હુમલાખોર એકે-47 રાઈફલ સાથે ત્રાટક્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પ્રમુખ જો બાઈડનને ગોળીબારની ઘટનાઓથી વાકેફ કરી દેવામાં આવ્યા છે. બાઈડને ત્યારબાદ મેન રાજ્યના ગવર્નર જેનેટ મિલ્સ તેમજ બે સેનેટર સદસ્યો સાથે ફોન પર વાતચીત કરી હતી અને કેન્દ્રીય વહીવટીતંત્ર તરફથી રાજ્યને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી.