લંડનઃ કોરોના વાઈરસ રોગના નવા પ્રકારના અને ખૂબ વધારે ખતરનાક એવા ચેપના કેસ વધી જતાં આ રોગચાળાને અંકુશમાં રાખવા માટે બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને દેશભરમાં છ સપ્તાહ માટે લોકડાઉન લાગુ કર્યાની ઘોષણા કરી છે. આ નવું સ્ટે-એટ-હોમ નિયંત્રણ ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી અમલમાં રહેશે.
જોન્સને ગઈ કાલે રાતે એમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાંથી ટીવીના માધ્યમથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં જણાવ્યું હતું કે ઝડપથી ફેલાતા રોગચાળા સામેની લડાઈમાં બ્રિટન હવે મહત્ત્વના તબક્કે આવ્યું છે. આપણા દેશની હોસ્પિટલો પર કોવિડને કારણે દબાણ વધી રહ્યું છે તેથી 2020ના માર્ચમાં હતું એવા જ પ્રકારનું દેશવ્યાપી લોકડાઉન ફરી લાગુ કરાયું છે જેમાં શાળા-કોલેજોથી લઈને વેપાર-ધંધા સંપૂર્ણપણે બંધ રહેશે.