વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ એવો આક્ષેપ કર્યો છે કે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને માટે અને એમના ધનવાન મિત્રોને મદદરૂપ થવા માટે પ્રમુખપદની બીજી મુદત જીતવા માગે છે.
કોરોના વાઈરસ રોગચાળાનો સામનો કરવાની કોઈ યોજના ન ઘડવા બદલ ઓબામાએ ટ્રમ્પની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.
ફ્લોરિડાના માયામીમાં એક ડ્રાઈવ-ઈન-રેલી (ચૂંટણી રેલી)ને સંબોધિત કરતી વખતે ઓબામાએ ટ્રમ્પના હરીફ ઉમેદવાર ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડનને યૂએસ પ્રમુખપદની આગામી ચૂંટણીમાં જિતાડવાની દેશના મતદારોને અપીલ કરી હતી. ઓબામાએ સાથોસાથ, બાઈડનના ડેપ્યુટી તરીકે ઘોષિત કરાયેલાં કમલા હેરિસને પણ જિતાડવાની મતદારોને અપીલ કરી હતી. ટ્રમ્પને બીજી મુદત ન આપવાની એમણે અમેરિકાવાસીઓને વિનંતી કરી છે.
ઓબામાએ એવો દાવો કર્યો હતો કે અમેરિકાવાસીઓ પ્રતિ ટ્રમ્પને જરાય સહાનુભૂતિ કે ચિંતા નથી. એ માત્ર પોતાના અને એમના ધનવાન મિત્રોના લાભ ખાતર જ બીજી વાર ચૂંટણી જીતવા માગે છે.
‘બીજી બાજુ, બાઈડન અને હેરિસ પોતાને માટે નહીં, પરંતુ તમારા માટે, આપણા માટે ચૂંટણી લડી રહ્યાં છે,’ એમ ઓબામાએ કહ્યું.
બાઈડન અને હેરિસ, ટ્રમ્પની જેમ ભરોસો ન કરવા જેવા અને પૈસા લઈને પ્રચાર કરનારા (લોબિસ્ટ્સ)થી ઘેરાયેલા નથી. એ લોકો એવા લોકોના સપોર્ટમાં છે જેમને તમારી કાળજી છે, અમેરિકાવાસીઓની કાળજી છે. દેશમાં ફ્લોરિડા સૌથી વધારે મતદારો ધરાવતું રાજ્ય છે અને આ રાજ્યમાં માયામી સૌથી વધારે મતદારો ધરાવતો કાઉન્ટી (જિલ્લો) છે.
હું પણ ઓવલ ઓફિસમાં બે મુદત બેસી ચૂક્યો છું. (બે મુદત માટે પ્રમુખપદે રહી ચૂક્યો છું). મને તો ખબર જ હતી કે ટ્રમ્પ મારી નીતિઓને ચાલુ નહીં રાખે, પણ મને એવી આશા પણ હતી કે આપણા દેશને ખાતર એ પોતાની કામગીરીમાં થોડોક રસ બતાવશે. પણ મારી એ આશા ઠગારી નિવડી છે, એમ ઓબામાએ વધુમાં કહ્યું હતું.
એક ઈન્ટરવ્યૂ વખતે અધવચ્ચેથી ચાલ્યા જવા બદલ પણ ટ્રમ્પની ઓબામાએ ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે, તે ઈન્ટરવ્યૂ વખતે ટ્રમ્પ ભડકી ગયા હતા અને વોકઆઉટ કરી ગયા હતા. એમને લાગ્યું હતું કે સવાલો બહુ આકરા પૂછવામાં આવે છે. ‘તમે તમારી બીજી મુદતમાં શું કામ કરવા ઈચ્છશો?’ એવો જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો તો એ ભડકી ગયા હતા. જો તમે એક અઘરા સવાલનો પણ જવાબ આપી શકતા નથી તો એને બીજી મુદત માટે વોટ આપવો જ ન જોઈએ, એમ ઓબામાએ મતદારોને કહ્યું છે.
અમેરિકામાં દર ચાર વર્ષે યોજાતી પ્રમુખપદની ચૂંટણી આ વખતે 3 નવેમ્બરે છે. દેશના પ્રમુખપદની એ 59મી ચૂંટણી છે.
દરમિયાન, ટ્રમ્પે ઓબામાના આક્ષેપના જવાબમાં એક ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે ‘ઓબામાના ખૂન્નસભર્યા ભાષણો કોઈ સાંભળતું નથી. 47 જણ હતા. જરાય શક્તિ નથી, પણ જૉ કરતાં હજી સારા છે.’
Nobody is showing up for Obama’s hate laced speeches. 47 people! No energy, but still better than Joe!
— Donald J. Trump (@realDonaldTrump) October 24, 2020