બિરલાની પુત્રીનાં પરિવાર સાથે અમેરિકાની રેસ્ટોરન્ટનો દુર્વ્યવહાર

વોશિંગ્ટન/મુંબઈઃ દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ કુમારમંગલમ બિરલાના પુત્રી અનન્યા બિરલાએ જાતિવાદી વ્યવહાર કરવાનો અમેરિકાની એક રેસ્ટોરન્ટ પર આરોપ મૂક્યો છે.

એક ટ્વીટ દ્વારા અનન્યા બિરલાએ કહ્યું છે કે વોશિંગ્ટનમાંની સ્કોપા ઈટાલિયન રૂટ્સ રેસ્ટોરન્ટે એમના પરિવારજનોને રીતસર બહાર ફેંકી દીધા હતા.

અનન્યાએ પોતાનાં ટ્વીટમાં એ રેસ્ટોરન્ટને ટેગ પણ કરી છે અને કહ્યું છે કે આ રેસ્ટોરન્ટે એના ગ્રાહકો સાથે યોગ્ય રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે.

અનન્યાએ ટ્વીટમાં લખ્યું છે કે, આ રેસ્ટોરન્ટ @ScopaRestaurant એ મને અને મારાં પરિવારજનોને રીતસર એમની ઈમારતમાંથી બહાર ફેંકી દીધા હતા. કેટલું બધું જાતિવાદી વલણ કહેવાય. બહુ જ ખરાબ. તમારે ખરેખર તમારા ગ્રાહકો સાથે સારી રીતે વર્તન કરતા શીખવાની જરૂર છે. અત્યંત જાતિવાદી. આ બરાબર નથી.

એક બીજા ટ્વીટમાં, અનન્યાએ લખ્યું છે કે રેસ્ટોરન્ટના વેઈટરે મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તન કર્યું હતું.

અનન્યાએ લખ્યું છે કે વેઈટર જોશુઆ સિલ્વરમેન મારી માતા સાથે અત્યંત ઉદ્ધત રીતે વર્તી હતી. અત્યંત જાતિવાદી કહેવાય. આ બરાબર નથી.

અનન્યા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાના પુત્રી છે. અનન્યા ગાયિકા પણ છે. એમનું પહેલું ગીત 2016માં રિલીઝ થયું હતું. એ પછી એમણે યુનિવર્સલ મ્યુઝિક ઈન્ડિયા કંપની સાથે કરારબદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓ ‘ક્યૂરોકાર્ટ’ ઈ-કોમર્સ કંપનીનાં સ્થાપક અને સીઈઓ પણ છે.