કેનેડામાં ખાલિસ્તાની સમર્થક હાજર હોવાની ટ્રુડોની કબૂલાત

નવી દિલ્હીઃ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ દેશમાં ખાલિસ્તાની સમર્થકો હોવાની વાત સ્વીકારી છે. જોકે તેઓ ખાલિસ્તાની સમર્થક કેનેડામાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતા, એમ તેમણે કહ્યું હતું. ટ્રુડોની કબૂલાતથી ભારતના એ વલણની પુષ્ટિ કરે છે કે કેનેડા સરકાર ખાલિસ્તાની તત્ત્વોને આશરો આપે છે.

ભારત સતત કહેતું આવ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો હાજર છે અને હવે કેનેડા સરકારે પણ આ વાત સ્વીકારી છે. ટ્રુડોએ કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પણ કેનેડામાં હિન્દુ સમર્થકો છે, પરંતુ તેઓ પણ હિન્દુ સમુદાયનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરતા નથી.

ટ્રુડોએ તેમના દેશમાં ખાલિસ્તાન સમર્થકોની હાજરીનો સ્વીકાર કરવો એ ભારતના વલણની પુષ્ટિ કરે છે કે ત્યાંની સરકાર ખાલિસ્તાન તરફી અરાજકતાવાદીઓ સામે કડક પગલાં લઈ રહી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડાના સંબંધોમાં ભારે તણાવ પ્રવર્તી રહ્યો છે. કેનેડાનો આરોપ છે કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેટલાક ભારતીય એજન્ટો સામેલ હતા, જ્યારે ભારત સરકારે કેનેડાના આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. કેનેડાના સરે શહેરમાં જૂન 2023માં હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે સમયે હરદીપ સિંહ ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યો હતો. જ્યારે નિજ્જરની હત્યા કરવામાં આવી ત્યારે ભારત સરકારે કહ્યું હતું કે નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) સાથે સંકળાયેલા હતા.ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડોની સરકાર ત્યાંના એક રાજકીય પક્ષ પર નિર્ભર છે અને આ પાર્ટીના નેતાએ અલગતાવાદી વિચારધારાને સમર્થન આપ્યું છે.