રાવલકોટઃ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટમાં હજ્જારો લોકો એકઠા થયા હતા અને તેમણે વીજ બિલ સળગાવીને દેખાવો કર્યા હતા. આ દેખાવકારોએ PoK સરકારના નોટિફિકેશનને નજરઅંદાજ કર્યું હતું. આ દેખાવકારોએ મોંઘવારી સામે –ખાસ કરીને ઘઉંના લોટની અછત અને વધતી કિંમતો અને વધુપડતાં વીજ બિલો તેમ જ અન્ય મુદ્દાઓ મુદ્દે દેખાવો કર્યા હતા. જોકે આ દેખાવકારો છેલ્લા 150 દિવસોથી દેખાવો કરી રહ્યા છે. જોકે પોલીસે આ દેખાવકારો પર ફાયરિંગ કર્યું હતું, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
સરકારે વીજ બિલો પરનો વધારો સોમવારે હાલપૂરતો ટાળી દીધો હતો અને જે વપરાશકર્તાઓએ આ વધારો ચૂકવ્યો હતો એને આગામી બિલ સામે એડજસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. સરકારે ચાર કેબિનેટ સભ્યો સહિત સાત સમિતિની રચના કરી હતી, જે જનતા મુદ્દા પરત્વે સમાધાન કરશે અને એ માટે નિવેડો લાવવા માટે ભલામણો કરશે.
જોકે ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ સરકાર દ્વારા અપાતી ‘લોલીપોપ’ને ફગાવી દીધી હતી અને જ્યાં સુધી ટેક્સને પરત નહીં ખેંચવામાં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ગિલગિટ-બાલિસ્તાન સહિત રાવલકોટના જનઆંદોલનમાં ભાગ લેનારા દેખાવકારોએ આશરે 7000 વીજ બિલોને આગ ચાંપી હતી અને તેમણે મોંઘવારી સામે સવિનય આંદોલન શરૂ કર્યું હતું.
પાકિસ્તાનના સત્તાવાર ડેટા અનુસાર 17 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં વાર્ષિક ધોરણે ફુગાવાના દરમાં 27.57 ટકાનો વધારો થયો હતો, જ્યારે સાપ્તાહિક ધોરણે મોંઘવારીના દરમાં 0.78 ટકા વધ્યો હતો અને એમાં ઘટાડાના કોઈ સંકેતો નહોતા, જેથી અર્થશાસ્ત્રીઓ અને ગ્રાહકોની ચિંતામાં વધારો થયો હતો, એમ ડોનનો અહેવાલ કહે છે.