અમેરિકાએ ભારતને UNSCમાં કાયમી સભ્ય બનાવવા વકીલાત કરી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને એક યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ના કાયમી સભ્યના રૂપમાં જર્મની, જાપાન અને ભારતને ટેકો આપ્યો હતો, એમ તેમના વહીવટી મંડળના એક સિનિયર અધિકારીએ દાવો કર્યો હતો. તેમણે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે આ મામલે બહુ કામ કરવાની જરૂર છે. અમે UNSCમાં જર્મની, જાપાન અને ભારતને કાયમી સભ્યપદ આપવાની તરફેણ કરીએ છીએ.

આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરેલા સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમનું માનવું છે કે સમય આવી ગયો છે કે UNSCને વધુ સર્વસમાવેશી બનાવવામાં આવે, જેથી વિશ્વની જરૂરિયાતો સારી પૂરી કરી શકાય.

અમેરિકા સહિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરને સતત ટેકો આપવો જોઈએ અને બચાવ કરવો જોઈએ અને દુર્લભ તેમ જ અસાધારણ પરિસ્થિતિઓને છોડીને વીટોના ઉપયોગથી બચવું જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે કાઉન્સિલ વિશ્વસનીય અને અસરકારક બની શકે. આ જ કારણે અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલની પરિષદના કાયમી અને હંગામી- બંને પ્રતિનિધિઓની સંખ્યા વધારવા માટે ટેકો આપે છે. UNSCમાં એ દેશો માટે સ્થાયી સીટો સામેલ છે, જેનો અમે લાંબા સમયથી ટેકો પૂરો પાડ્યો છે.