પાકિસ્તાનમાં શરીફબંધુઓ સમયસર સામાન્ય ચૂંટણી કરાવવા સહમત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન-સુપ્રીમો નવાઝ શરીફ દેશમાં ચૂંટણી સમયસર કરાવવા માટે સહમત થયા હતા. શરીફ બંધુઓએ લંડનમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં થનારી સામાન્ય ચૂંટણી વિશે સમીક્ષા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હાલની સરકાર કાર્યકાળ પૂરો કરશે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે હાલ લંડન ગયા છે. તેમણે એ સમયે તેમના ભાઈ નવાઝ શરીફની સાથે સાડા ત્રણ કલાક લાંબી બેઠક કરી હતી અને દેશના કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.બીજી બાજુ, પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના વડા ઇમરાન ખાને દેશમાં સામાન્ય ચૂંટણી યોજવા માટે ફરી માગ કરતાં જણાવ્યું હતું કે તેઓ હવે ચૂંટણી માટે વધુ રાહ જોઈ શકે એમ નથી અને જો હવે મોડું થયું તો તેઓ દેશની જનતાને આહવાન કરશે.બંને નેતાઓએ બેઠકમાં પંજાબ સરકારમાં બદલાવ કરવા માટે વિચારવિમર્શ કર્યો હતો અને ત્યાં અન્ય સંભવિત ઉમેદવારોમાં હમજા શહબાઝના નામ પર વિચાર કર્યો હતો. તેમણે આ બેઠકમાં અન્ય સંભવિત ઉમેદવારો પર પણ ચર્ચા કરી હતી, એમ જિયો ન્યૂઝનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આ બેઠકમાં લંડનમાં હાજર રહેલા સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફ અને કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગપ્રધાન મરિયમ ઔરંગઝેબે આ બેઠકમાં ભાગ નહોતો લીધો, એમ જિયો ન્યૂઝે જણાવ્યું હતું. બીજી બાજુ, ખાને હાલની સરકારને આડે હાથ લેતાં કહ્યું હતું કે અર્થતં6નું કદ ઘટી ગયું છે અને બેરોજગારી સતત વધી રહી છે. ઓગસ્ટમાં ફુગાવો 27.3 ટકાએ પહોંચ્યો છે, જે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં એક રેકોર્ડ છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]