ઘરેલુ T20-મેચોને વધારે દિલચસ્પ બનાવશે ‘ઈમ્પેક્ટ-પ્લેયર’ નિયમ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એક નવો નિયમ લાગુ કરવાની તૈયારીમાં છે. આ નિયમ અનુસાર, સ્થાનિક સ્તરે T20 મેચોમાં 11ને બદલે 15 ખેલાડીઓ રમવાને પાત્ર બનશે. આ નિયમને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નામ આપવામાં આવ્યું છે. આ નિયમની ચકાસણી કરવા માટે બીસીસીઆઈ પહેલાં ઘરેલુ ક્રિકેટમાં એની અજમાયશ કરશે. આવો નિયમ ફૂટબોલ, રગ્બી, બાસ્કેટબોલ અને બેઝબોલ રમતોમાં વાપરવામાં આવે છે. 

બીસીસીઆઈ આ નિયમની અજમાયશ સૌથી પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સ્પર્ધામાં કરશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવતા વર્ષની આઈપીએલ સ્પર્ધામાં પણ તેનો ઉપયોગ કરાશે.

આવો છે ઈમ્પેક્ટ પ્લેયર નિયમઃ

ટોસ દરમિયાન બંને ટીમની પ્લેઈંગ ઈલેવન ઉપરાંત અન્ય ચાર ખેલાડીના નામ પણ આપવામાં આવશે. આ ચાર ખેલાડી પૈકી કોઈ પણ એક ખેલાડીને ટીમનો કેપ્ટન મેચ દરમિયાન ટીમમાં સબ્સ્ટિટ્યૂટ તરીકે રમાડી શકશે.

ધારો કે, બેટિંગ કરતી ટીમ તરત જ એક વિકેટ ગુમાવી દે ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો સહારો લઈને કેપ્ટન તેની ઈલેવનમાં એક બોલરની જગ્યાએ એક અતિરિક્ત બેટ્સમેનને રમાડી શકશે.

એવી જ રીતે, ધારો કે પહેલા બેટિંગ કરનાર ટીમે વધારે વિકેટ ગુમાવ્યા વગર મોટો સ્કોર ખડો કર્યો હોય તો બીજા દાવમાં કેપ્ટન એક બેટ્સમેનની જગ્યાએ અતિરિક્ત બોલરનો ટીમમાં સમાવેશ કરી શકશે. જે ખેલાડીની બદલે ઈમ્પેક્ટ પ્લેયરને રમાડવામાં આવ્યો હોય, તે ખેલાડી ફરીથી મેદાનમાં ઉતરી નહીં શકે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરતા પહેલાં કેપ્ટને ફિલ્ડ અમ્પાયર અથવા ફોર્થ અમ્પાયરને જાણ કરવાની રહેશે.

બંને ટીમ મેચ દરમિયાન 14મી ઓવરની પહેલાં જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરી શકશે. તે પછી નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]