સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશથી વેપારપ્રધાન પીયૂષ ગોયલે ન્યુ સાઉધ વેલ્સ (NSW) યુનિવર્સિટીને ભારતમાં વિસ્તરણ કરવા માટે અને બંને દેશોના વિદ્યાર્થીઓને પરસ્પરનો લાભ મળી રહે એ માટે આમંત્રિત કરી હતી. કેન્દ્રીય વેપારપ્રધાન હાલ ત્રિદિવસીય ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તેમણે આજે ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે વ્યૂહાત્મક જોડાણ વધારી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે શિક્ષણ એ બંને દેશો વચ્ચેનો સેતુ છે. હું માનું છું કે કેટલીક ભાગીદારી વિશ્વ માટે મહત્ત્વની હોય છે અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક જોડાણ છે. વળી, બંને દેશોની ભાગીદારી વિદ્યાર્થીઓના જીવનને બદલી શકે છે અને એના ઉપયોગ બે દેશોની વચ્ચે શૈક્ષણિક સંબંધોને વિકસિત કરવામાં પણ મદદ કરશે.
તેમણે કહ્યું હતું કે આ પગલાથી વિદ્યાર્થીઓની પહોંચ વધશે. બેવડી ડિગ્રીની સાથે લાભ એ છે કે અમે વધુ ને વધુ ભારતીયોને ગુણવત્તાપૂર્વક શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ મળી રહેશે, જેનો ખર્ચ ઘણો ઓછો- આશરે અડધો થઈ જશે. આ પગલાથી ડિગ્રી અને અભ્યાસક્રમોની સામગ્રીને સમજવામાં મદદ મળશે. બંને દેશોની વચ્ચે બેવડા ડિગ્રી કાર્યક્રમો હેઠળ વિદ્યાર્થીને બે વર્ષ અને ભારતમાં બે વર્ષ માટે અભ્યાસ કરવા માટે મંજૂરી મળશે.