ગોળીબારની ઘટનાઓઃ બાઇડનની બંદૂક પર પ્રતિબંધ મૂકવા માગ

વોશિંગ્ટનઃ તાજેતરમાં બનેલી શૂટિંગની સિલસિલાબંધ ઘટનાઓમાં કમસે કમ 10 લોકોના મોતથી વ્યથિત થઈને બંદૂકની હિંસા સામે અમેરિકાના પ્રમુખ જો બાઇડને સાંસદોને પગલાં લેવાની અરજ કરી હતી. તેમણે બંદૂક પર પ્રતિબંધ મૂકવા કાયદો ઘડવાની પણ માગ કરી હતી.  અમેરિકામાં ગન કલ્ચર ફૂલ્યુંફાલ્યું છે, જેમાં ગમેત્યારે ગોળીબારની ઘટના બનતી રહી છે.વ્હાઇટ હાઉસ દ્વારા જારી થયેલા નિવેદનમાં બાઇડને રિપબ્લિકન સાંસદોને પણ નવા કાયદાને ટેકો આપવા અરજ કરી હતી. તેમણે  હથિયારો પર પ્રતિબંધ, જેતે વ્યક્તિના ભૂતકાળની તપાસ અને ગનના ઉત્પાદકોને કાયદાકીય છૂટને નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણા દેશે દુખદ અને સંવેદનહીન ગોળીબારની ઘટનાઓ –ફિલાડેલ્ફિયાથી માંડીને ફોર્ટ વર્થ, બાલ્ટિમોરથી માંડીને શિકાગો સુધી સહન કરી છે. અમેરિકામાં જેવો એક લાંબો વીકએન્ડ શરૂ થયો, જે મંગળવારે સ્વતંત્રતા દિવસની સાથે પૂરો થયો, ત્યાં સુધી ગોળીબારની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી.

શિકાગોના ઇલિયોનોસમાં આવી ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય વ્યક્તિઓને ઇજા થઈ હતી. ત્યાર બાદ બે વધુ ગોળીબારની ઘટનાઓ બની હતી, જેમાં અનેક જણ ઘાયલ થાય હતા. આ સિવાય વિચિટામાં નવ લોકો ઘાયલ થયા હતા, જ્યારે બાલ્ટિમોરની ઘટનામાં બે લોકોનાં મોત થયાં હતાં અને 28 લોકો ઘાયલ થયા હતા.

સોમવારે પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં પાંચ લોકોનાં મોત થયાં હતા, જેમાં બે બાળકો ઘાયલ થયા હતા, જ્યારે ટેક્સાસના ફોર્ટવર્થમાં ગોળીબારની ઘટનામાં ત્રણ લોકો માર્યા ગયા હતા.