ભારતીય ખેલાડીઓ બાર્બેડોસમાં દંતકથાસમાન બેટ્સમેન સર ગાર્ફિલ્ડ સોબર્સને મળ્યા

બ્રિજટાઉન (બાર્બેડોસ): રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળ ભારતીય ટીમના ખેલાડીઓ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવ્યા છે. તેઓ આ અઠવાડિયાના આરંભમાં બાર્બેડોસ આવી પહોંચ્યા હતા. બ્રિજટાઉન શહેરના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ભારતીય ખેલાડીઓ ક્રિકેટ પ્રેક્ટિસ કરતા હતા અને વોલીબોલ રમતા હતા. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે-મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના ભારતીય ખેલાડીઓ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝના દંતકથા સમાન બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સર ગાર્ફિલ્ડ સોબર્સને મળ્યા હતા. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પ્રત્યેક ખેલાડીની સોબર્સ સાથે ઓળખાણ કરાવી હતી. 86 વર્ષના સોબર્સની સાથે એમના જીવનસાથી પણ હતાં. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તે મુલાકાતનો એક વિડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. બાર્બેડોસ સોબર્સનું વતન છે.

ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિનર સોબર્સ એમની કારકિર્દીમાં વેસ્ટ ઈન્ડિઝ વતી 93 ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં તેમણે 26 સેન્ચુરી સહિત 8,032 રન કર્યા હતા. એમનો હાઈએસ્ટ સ્કોર 365* રન હતો, જે ઘણા વર્ષો સુધી અકબંધ રહ્યો હતો. બાદમાં વેસ્ટ ઈન્ડિઝના જ બ્રાયન લારાએ (400*) તોડ્યો હતો. સોબર્સ 383 પ્રથમ કક્ષાની મેચોમાં પણ રમ્યા હતા. 1968ની 31 ઓગસ્ટે સોબર્સે સ્વોન્સી શહેરમાં ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર ટીમના કેપ્ટન તરીકે રમતાં ગ્લેમોર્ગનના બોલર માલ્કમ નેશની એક જ ઓવરમાં છ બોલમાં છ સિક્સર મારી હતી.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકા ટાપુના રોસો શહેરના વિન્ડસર પાર્ક મેદાન પર અને બીજી તથા આખરી ટેસ્ટ મેચ 24 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેન (ટ્રિનિડાડ)ના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે. ત્યારબાદ બંને ટીમ 27, 29 જુલાઈ અને 1 ઓગસ્ટે અનુક્રમે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી બે મેચ બાર્બેડોસના બ્રિજટાઉનના કેન્સિંગ્ટિન ઓવલ મેદાન પર રમાશે અને ત્રીજી મેચ ટ્રિનિડાડના ટેરોબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. તે પછી બંને ટીમ 3, 6, 8, 12, 13 ઓગસ્ટે પાંચ ટ્વેન્ટી-20 મેચ રમશે, જેમાં પહેલી મેચ ટ્રિનિડાડના લારા સ્ટેડિયમમાં, બીજી અને ત્રીજી મેચ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં, ચોથી અને પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.

ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.