ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નવા વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથે વેપારી સંબંધો વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇસ્લામાબાદ ક્ષેત્રીય સ્તરે ભૌગોલિક વ્યૂહરચના માટે ભાગીદારી કરવા ઇચ્છે, જેમાં સ્પષ્ટ રીતે નવી દિલ્હી સામેલ છે. ભારત અને પાકિસ્તાન પરસ્પર વાતચીતથી ઘણુંબધું હાસંલ કરી શકે છે, એમ તેમણે તુર્કી મિડિયાને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ભૂ વ્યૂહરચનાથી ભૂ-અર્થતંત્ર તરફ જઈ રહેલું પાકિસ્તાન ક્ષેત્રીય વિસ્તારમાં કનેક્ટિવિટીને આધારે ભાગીદારી બનાવવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત પરસ્પર સહયોગથી વેપારમાં નોંધપાત્ર લાભ મેળવી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ત્રિદિવસીય તુર્કીના પ્રવાસે છે.એપ્રિલના પ્રારંભમાં પાકિસ્તાનમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી શહબાઝ શરીફે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા મુદ્દાઓમાં સમાધાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના આ પત્રના જવાબમાં વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનના નવા વડા પ્રધાનને અભિનંદન પાઠવ્યાં હતાં. એ પછી શરીફે વડા પ્રધાનને શુભકામનાઓ આપવા બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમનો દેશ ભારત સાથે શાંતિ અને પરસ્પર સહયોગ કરવા ઇચ્છે છે. જોકે શરીફે શપથ લીધા બાદ નેશનલ એસેમ્બલીમાં પહેલા સંબોધનમાં કહ્યું હતું કે અમે ભારત સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ પણ જ્યાં સુધી કશ્મીર વિવાદનું સમાધાન નહીં થાય, ત્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થાયી સંબંધ સંભવ નથી.