ભ્રષ્ટાચારના કેસમાં નવાઝ શરીફને 10 વર્ષની કેદ, પુત્રી મરિયમને 7 વર્ષની કેદ

0
935

ઈસ્લામાબાદ – પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી પૂર્વે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) પક્ષને મોટો ફટકો પડ્યો છે, કારણ કે એના વડા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને વિદેશમાંની પ્રોપર્ટીઝની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવા બદલ અદાલતે 10 વર્ષની જેલની સજા ફટકારી છે જ્યારે એમના પુત્રી મરિયમ નવાઝને સાત વર્ષની જેલની સજા ફરમાવી છે.

આ ચુકાદો એકાઉન્ટેબિલીટી કોર્ટે આપ્યો છે અને એવનફિલ્ડ કરપ્શન કેસમાં આપ્યો છે. આ કેસ લંડનમાં વૈભવશાળી ગણાતા એવનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની શરીફના પરિવારની માલિકીને લગતો છે. શરીફ પરિવારે 1993માં એ ફ્લેટ ખરીદ્યા હતા.

ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન પદે રહી ચૂકેલા શરીફને આ કેસમાં કસુરવાર જાહેર કરાયા બાદ એમના પીએમએલ-એન પક્ષ વતી ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. હવે એમના ભાઈ શાહબાઝ શરીફ પક્ષનું સુકાન સંભાળે છે અને આ મહિને યોજાનાર સંસદીય ચૂંટણી લડવાના છે.

એકાઉન્ટેબિલીટી કોર્ટના જજ મોહમ્મદ બશીરે અનેક વારના વિલંબ બાદ આજે ચુકાદો આપ્યો છે. પોતાની આવક કરતાં વધુ પ્રમાણમાં સંપત્તિ ધરાવવા બદલ તેમજ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોને તપાસમાં સહકાર ન આપવા બદલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

મરિયમ નવાઝને ગુનામાં સહાયતા કરવા બદલ અને તપાસનીશોને સહકાર ન આપવા બદલ સાત વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે. તથા મરિયમનાં પતિ કેપ્ટન સફદર અવાનને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટે શરીફને 72 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો, મરિયમ નવાઝને 18 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શરીફ પરિવારે એવી દલીલ કરી છે કે એમણે કાયદેસર નાણાકીય સ્રોતો દ્વારા એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે.

મરિયમ અને એમનાં પતિ આ ચુકાદાને પગલે લાહોર તથા માનશેરામાંથી ચૂંટણી લડી નહીં શકે.