ફિફા વર્લ્ડ કપઃ ઉરુગ્વેને 2-0થી હરાવી ફ્રાન્સનો સેમી ફાઈનલમાં પ્રવેશ

નિઝની નોવગોરોડ (રશિયા) – અહીં આજે રમાઈ ગયેલી ફિફા વર્લ્ડ કપ-2018 સ્પર્ધાની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે ઉરુગ્વેને 2-0થી સજ્જડ પરાજય આપ્યો છે. હવે 10 જુલાઈની સેમી ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો બ્રાઝિલ અને બેલ્જિયમ વચ્ચેની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચની વિજેતા ટીમ સામે થશે. ફાઈનલ મેચ 15 જુલાઈએ મોસ્કોના લઝનિકી સ્ટેડિયમમાં રમાશે.

પહેલો ગોલ પ્રથમ હાફમાં 40મી મિનિટે રાફેલ વરાનેએ હેડર દ્વારા કર્યો હતો. હાફ-ટાઈમે સ્કોર ફ્રાન્સની તરફેણમાં 1-0 હતો.

બીજા હાફમાં, 61મી મિનિટે એન્ટોઈની ગ્રીઝમેને ગોલ કર્યો હતો અને ફ્રાન્સ 2-0થી આગળ થયું હતું.

પ્રથમ હાફમાં ફ્રાન્સના ખેલાડીઓએ મોટા ભાગના સમયમાં (59 ટકા સમયમાં) બોલ એમના તાબામાં રાખ્યો હતો.

સમગ્ર ટુર્નામેન્ટમાં, ઉરુગ્વેના ગોલકીપર ફર્નાન્ડો મુસલેરાએ માત્ર એક જ ગોલ ટીમની વિરુદ્ધ થવા દીધો હતો, જ્યારે આજની મેચમાં માત્ર એક જ કલાકના ગાળામાં એણે બે ગોલ થવા દીધા. ફ્રાન્સનો બીજો ગોલ મુસલેરાની ભૂલને કારણે થયો હતો. મુસલેરા અનુભવી ખેલાડી છે, તે આજે એની કારકિર્દીની 102મી મેચ રમ્યો હતો.

ઉરુગ્વે ટીમ એના ઈજાગ્રસ્ત સ્ટ્રાઈકર કેવાની વિના રમે હતી જ્યારે ફ્રાન્સના મિડફિલ્ડર માતુઈડીને સસ્પેન્ડ કરાયો હોવાથી એની જગ્યાએ ટોલીસોને ટીમમાં સામેલ કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]