૧૦૮ ઇમરજન્સી સેવા માટે GVK EMRI સાથેના MoUને વધુ ૧૦ વર્ષ માટે યથાવત રાખવાનો રૂપાણીનો નિર્ણય

અમદાવાદ – મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં અકસ્માત કે આપત્તિના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સેવા પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી સેવા માટે GVK EMRI સાથેના MoU વધુ ૧૦ વર્ષ માટે યથાવત રાખવાનો પ્રજાહિતલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણયને પરિણામે રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી સેવાઓનો વ્યાપક લાભ વધુ એક દશક માટે પ્રજાજનો-નાગરિકોને મળશે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૦૭માં તેમના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળ દરમ્યાન આ આપાતકાલિન સેવાઓનો ગુજરાતમાં પ્રારંભ કરાવેલો.

પ૩ એમ્બ્યુલન્સ સાથે રાજયમાં ઇમરજન્સી સેવાઓ માટે શરૂઆત કરનારી GVK EMRI આજે પ૮પ એમ્બ્યુલન્સ સાથે સેવારત છે. આ વર્ષે નવી ૧૧ર એમ્બુલન્સનો તેમાં ઉમેરો થતાં ૬પ૦ની સંખ્યા થશે.

અત્યાર સુધીમાં ૮પ લાખ કરતાં વધુ લોકોને કટોકટી વેળાએ સેવા સાથે અકસ્માત કે અન્ય વિપદામાં વિકટ સ્થિતીમાં મૂકાઇ ગયેલા અંદાજે ૭ લાખ માનવજીવ આ સેવાએ બચાવ્યા છે. એટલું જ નહિ ૩૦ લાખથી વધુ મહિલાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ ૧૦૮ દ્વારા અપાઇ છે.

રૂપાણીએ તાજેતરમાં જ ગુજરાતમાં સમૂદ્રી વિસ્તારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાવી છે. તદઉપરાંત નાગરિકોને આપાતકાલમાં બચાવ-આરોગ્ય સેવા આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ મળી રહે તે માટે ગુજરાતે અભિનવ પહેલ રૂપે ૧૦૮ મોબાઇલ એપ પણ લોન્ચ કરી છે.

હવે, મુખ્યમંત્રીના આ જનહિતલક્ષી નિર્ણયને પરિણામે ૧૦૮ GVK EMRI સેવાઓનો લાભ આગામી દશક સુધી વ્યાપક સ્વરૂપે મળતો થવાથી માનવજીવન બચાવમાં હોલીસ્ટીક એપ્રોચથી સફળતા મળશે